ભુજઃ ગાંધીધામના એક જાણીતા શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસાયીને મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામની બિન-ખેતી જમીન વેચવાના બહાને વિશ્વાસમાં લઈ, કુલ રૂા. ૪.૯૩ કરોડ પચાવી પાડી અન્ય ત્રીજી જ પાર્ટીને જમીન વેચી મારી છેતરપિંડી આચરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગાંધીધામના ચર્ચિત અગ્રણીઓની હાજરી અને સાક્ષીમાં રચાયેલા આ કૌભાંડ અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો મુજબ, ગાંધીધામના સુભાષનગરમાં રહેતા ૪૬ વર્ષીય દીપક ખેંગાર મજેઠીયા કસ્ટમ ક્લિયરન્સ અને લોજિસ્ટિક્સની પેઢી ધરાવે છે. તેઓ જમીનમાં રોકાણ કરવા ઈચ્છતા હોવાથી ગાંધીધામના દલાલ યોગેશ ઠક્કરના સંપર્કમાં હતા. ગત ડિસેમ્બર-૨૦૨૩માં દલાલ યોગેશ ફરિયાદીને ઓસ્લો સર્કલ પાસે આવેલા કિશોર પીંગળની ઓફિસે લઈ ગયો હતો, જ્યાં નીતેશભા રાજભા ગઢવી (મૂળ રાપર, હાલ અમદાવાદ) સાથે મુલાકાત કરાવાઈ હતી.
નીતેશે પ્રાગપરના સર્વે નંબર ૨૬૭ અને ૨૬૪ વાળી જમીનના મૂળ માલિક દીપક મેઘજી ગાલા (મુંબઈ) સાથે કરેલો અગાઉનો સાટા કરાર બતાવીને જમીન વેચવાની વાત કરી હતી. અંતે, બંને પક્ષો વચ્ચે રૂા. ૫ કરોડ ૩ લાખમાં જમીન ખરીદવાનો સોદો નક્કી થયો હતો. પ્રથમ તબક્કે બાના પેટે રૂા. ૧ કરોડ આપ્યા બાદ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ દરમિયાન ફરિયાદી દીપક મજેઠીયાએ બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને પૂરેપૂરા રૂા. ૫.૦૩ કરોડ ચૂકવી દીધા હતા.
પૂરેપૂરા નાણાં મળી ગયા બાદ પણ આરોપી નીતેશ ગઢવી અને જમીન માલિક દીપક ગાલાએ દસ્તાવેજ કરી આપવાના બદલે ગોળ-ગોળ જવાબો આપી બહાનાબાજી શરૂ કરી હતી. શંકા જતાં ફરિયાદીએ પોતાની રકમ પરત માગતા આરોપીઓએ માત્ર રૂા. ૧૦ લાખ પરત આપ્યા હતા.
દરમિયાન, જાન્યુઆરી-૨૦૨૫માં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદી સાથે સોદો ચાલુ હોવા છતાં આ જ કિંમતી જમીન બારોબાર કોઈ ત્રીજી જ વ્યક્તિને વેચી મારી હતી. પોતાની સાથે રૂા. ૪.૯૩ કરોડની મસમોટી છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં, ફરિયાદીએ યોગેશ ઠક્કર, કિશોર પીંગળ અને હિતેષ ઠક્કરને આ સમગ્ર કૌભાંડના સાક્ષી દર્શાવીને કાયદેસરની ફરિયાદ નોંધાવતાં બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.
(ઉત્સવ વૈદ્ય)