ભુજઃ ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલી આત્મહત્યાના રાજ્યભરમાં ચકચારી બનેલા મામલે ૧૮ આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે મૃતકને લોન અપાવી કમિશન માટે ઉત્પીડન કરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક પ્રકાશ મોદીની ધરપકડ કરી લીધા બાદ, ભુજમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રોશનીબેન આનંદ ભટ્ટની અટક કરવામાં આવી હતી.
ગત ૫મી માર્ચના રોજ ગાંધીધામના યુવા રાજકીય અગ્રણી દીપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. મૃત્યુ પૂર્વે દીપેશે એક સ્યુસાઇડ નોટ અને વીડિયો દ્વારા પોતાની આપવીતી જણાવી હતી, જેમાં ૧૪ વ્યાજખોરો સહિત કુલ ૧૮ લોકોના નામનો પર્દાફાશ કર્યો હતો.
ભુજમાંથી જે શિક્ષિકાની ધરપકડ કરાઈ એ છેલ્લા આઠેક વર્ષથી હેરાન-પરેશાન કરતા હોવાનું મૃતક દીપેશે સ્યુસાઇડ નોટ, વીડિયોમાં જણાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ દિપેશને વ્યાજના વિષચક્રમાં ફસાવી માનસિક રીતે તોડી નાખ્યો હતો. આ ફરિયાદ અને ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ કેસમાં હજુ ૧૬ આરોપીઓ ફરાર છે. આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ વ્યાજખોરીના આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ કારાગૃહમાં હશે તેમ તપાસકર્તા પી.આઇ. એમ.સી. વાડાએ જણાવ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)