ભુજઃ ગાંધીધામ શહેર ભાજપ મંત્રી દિપેશ ત્રિપાઠીના આત્મહત્યા પ્રકરણે સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી કિસ્સામાં ન્યાયની માંગ સાથે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પોલીસવડા મારફતે ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.
આત્મહત્યાના આ ચકચારી કિસ્સાના મૂળમાં ગેરકાયદે વ્યાજખોરીનું ગંભીર વિષચક્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક દિપેશ ત્રિપાઠીએ પોતાની સ્યુસાઈડ નોટમાં ૧૮ જેટલા લોકોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આક્ષેપ મુજબ, ઊંચા વ્યાજે નાણાં આપી આરોપીઓ દ્વારા સતત માનસિક ત્રાસ અને ધમકીઓ આપવામાં આવતી હતી, જેનાથી કંટાળીને યુવા આગેવાને અંતિમ પગલું ભરવા મજબૂર થવું પડ્યું હતું.
કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ (પૂર્વ અને પશ્ચિમ વિભાગ)ના હોદ્દેદારોએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરીને માંગણીઓ મૂકી છે જેમાં આ કેસની તપાસમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે ખાસ તપાસ ટીમ 'સીટ' નિમણૂક કરવામાં આવે, હજુ પણ પોલીસ પકડથી દૂર આરોપીઓ સામે સહઅપરાધ હેઠળ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે,વ્યાજખોરો કે તેમના મળતિયાઓ દ્વારા મૃતકના પરિવાર પર દબાણ ન આવે અથવા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિવારને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને કચ્છ જિલ્લામાં વ્યાજવટાવનો વ્યવસાય કરતા લોકોના પરવાના અને વ્યાજદરની તપાસ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે જેથી અન્ય કોઈ પરિવાર બરબાદ ન થાય.
આ આવેદનપત્ર આપતી વેળાએ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પૂર્વ વિભાગના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકા, પશ્ચિમ વિભાગના પ્રમુખ દિપેશભાઈ જોશી સહિત વિવિધ તાલુકા મંડળોના હોદ્દેદારો, મહિલા મંડળના અગ્રણીઓ અને સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ન્યાય માટે આંદોલન તેજ કરવામાં આવશે તેવી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે.
(ઉત્સવ વૈદ્ય)