Thu Jun 11 2026

Logo

ગળપાદર-મુંદ્રા રોડ હવે બનશે 'સિક્સ લેન' હાઈવે, ₹1917 કરોડનો છે મહાપ્રોજેક્ટ

2026-02-27 15:53:14
Author: Mayur Kumar
Article Image

ભુજઃ કચ્છ ઈકોનોમિક ઝોન'ના વિકાસની ૨૦૪૭ની પરિયોજના તથા ભવિષ્યમાં થનારા પ્રકલ્પોને કેન્દ્ર સ્થાનમાં રાખીને ઈન્ફાસ્ટ્રક્ચરના વિકાસ માટે સરકાર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે, ત્યારે મુંદ્રા મહાબંદરને જોડતા ગળપાદર -મુંદ્રા ધોરીમાર્ગને અંદાજિત ૧૯૧૭.૨૮  કરોડના ખર્ચે છ માર્ગીય બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટેન્ડર સહિતની ગતિવિધિ હાથ ધરાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

મહાબંદર મુંદ્રા તથા પ્રવાસન સ્થળ માંડવીને જોડતા ગળપાદર-મુંદ્રા ધોરીમાર્ગને ચારને બદલે છ માર્ગીય બનાવવા માટે વર્ષ ૨૦૨૩થી  હિલચાલ આરંભાઈ હતી. જે-તે સમયે પ્રોજેક્ટ ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા સહિતની તજવીજ હાથ ધરાઈ હતી.  હાલમાં આ પ્રકલ્પને સાર્થક કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 

બે વર્ષનો લાગશે સમય

પ્રાપ્ત વિગતો મુજબ, કંડલા-મુંદ્રા બંદરને જોડતા ૭૧ કિલોમીટરના છ માર્ગીયને નિર્માણ પામતાં બે વર્ષનો સમય લાગશે. આ યોજના તળે ગળપાદરથી પ્રાગપર સુધીના માર્ગને છ માર્ગીય તથા પ્રાગપર જંક્શનથી મોટી ખાખર સુધીના માર્ગને ચાર માર્ગીય બનાવશે.આ પરિયોજના તળે પાંચ વ્હીકલ અંડરપાસ, ૧૨ અંડરપાસનું સમારકામ કરાશે. તેમજ જીવલેણ અકસ્માત નિવારવા માટે ચાર 'લાઈટ વ્હીકલ' અંડરપાસ બનાવશે. આ ઉપરાંત બે મોટા પુલ બાંધવામાં આવશે અને ચાર જર્જરિત થઇ ગયેલા પુલનું  સમારકામ સાથે મજબૂતીકરણ કરાશે.  

૧૪ નાના પુલ બનાવવામાં આવશે.  સાત નવા બોક્સ કલ્વર્ટ અને ૧૦ જેટલા બોક્સ કલ્વર્ટનું સમારકામ સાથે વાઈડનિંગ કરાશે અને ૧૨ કલ્વર્ટનું મજબૂતીકરણ થશે.  આ ઉપરાંત ૪૭ પાઈપ બોક્સ કલ્વર્ટનું વાઈડનિંગ સાથે સમારકામ, ૬૯ પાઈપ કલ્વર્ટના સમારકામ સાથે મજબૂતીકરણ  કરાશે. આ પ્રકલ્પમાં ડીપીઆર અનુસારની સુવિધાઓ બનશે. 

રોડને છ માર્ગીય બનાવવાના આયોજન સાથે અગાઉથી થઈ છે જમીન સંપાદન 

આ પ્રકલ્પની મહત્વની બાબતે એ છે કે, આ ચાર માર્ગીય રસ્તાના નિર્માણ વખતે જ ભવિષ્યના ટ્રાફિકને ધ્યાને રાખીને   આ માર્ગને છ માર્ગીય બનાવવાના આયોજન સાથે અગાઉથી જમીન સંપાદન કરવામાં આવી છે, જેના કારણે જમીન સંપાદનની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. આગામી એપ્રિલ મહિના સુધી આ કાર્યની ટેન્ડર પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ નિર્માણ કાર્ય શરૂ થવાની સંજોગો ઊજળા બનશે. મોખા ટોલનાકા પાસે આધુનિક ટોલ વસૂલીકરણ કેન્દ્ર બનાવશે, જેમાં બંને બાજુએ સાત-સાત લેન હશે. અહીં આધુનિક હાઈબ્રિડ ઈ.ટી.સી. લેન્ડ બનાવવામાં આવશે.  

ગળપાદર અને મુંદ્રા પાસે વધતા જતા અકસ્માતોને કારણે લોકોએ નોંધપાત્ર વિરોધ કર્યા હતા. થોડા સમય અગાઉ ગાંધીધામ ચેમ્બર અને જુદા-જુદા પરિવહન સંગઠનોએ રસ્તાની ખરાબ  હાલતથી ત્રસ્ત બની સામખિયાળી પાસે આંદોલન કર્યું હતું, જેના કારણે બંદરની ગતિવિધિ પર અસર પડી હતી. ૭૧  કિલોમીટરમાં નિર્મિત આ માર્ગ ઉપર ટ્રાફિકની સ્થિતિ બાબતો ચકાસવા માટે થોડા-થોડા અંતરે કેમેરા મૂકવામાં આવશે. કન્ટ્રોલરૂમમાંથી આખા માર્ગની સ્થિતિની સમીક્ષા કરી શકાશે, તેવું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)