Tue Oct 06 2026

Logo

ડેટિંગ એપ પર મિત્રતા પડી ભારે, સુરતમાં ફ્રૂટ વિક્રેતાને મળવા બોલાવ્યો ને પછી.........

2026-08-06 11:33:00
Author: Mayur Patel
ડેટિંગ એપ પર મિત્રતા પડી ભારે, સુરતમાં ફ્રૂટ વિક્રેતાને મળવા બોલાવ્યો ને પછી.........

સુરતઃ શહેરમાં ગે ડેટિંગ એપ દ્વારા યુવકોને જાળમાં ફસાવીને લૂંટતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી. આ ટોળકી ખોટું આઈડી બનાવી યુવકોને ફસાવતી હતી. વરાછા પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

લિંબાયતમાં ફ્રૂટની લારી ચલાવતા એક યુવકે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી, જ્યાં તેને રાજ નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. વાતો વધતા તેને 28 જૂને વરાછાની ઓરેંજ પાર્ક સ્થિત એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવાયો હતો.  યુવક ત્યાં પહોંચતા જ રાજ અને તેના પહેલાથી સંતાઈને બેઠેલા બે સાગરીતોએ તેને ઘેરી લીધો હતો. ત્રણેય જણાએ યુવકને ઢોર માર મારી ખિસ્સામાંથી રોકડ, મોબાઈલ અને રૂ. 1,000 ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા.

શરૂઆતમાં આબરૂ જવાની બીકે અને ધમકીના ડરથી યુવકે મૌન જાળવ્યું હતું, પરંતુ પરિવારે હિંમત આપતાં તેણે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓ—સુશાંત ઉર્ફે આકાશ વર્મા (21), સોમરાજ ગામેતી (21) અને એક કિશોરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગેંગે અન્ય કોઈ યુવકોને શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.