Sat Sep 05 2026

Logo

લિફ્ટમાં ૯૦  મિનિટ ફસાતા  ચાર યુવકના શ્વાસ અધ્ધર

2026-06-12 18:19:16
Author: Sapna Desai
લિફ્ટમાં ૯૦  મિનિટ ફસાતા  ચાર યુવકના શ્વાસ અધ્ધર

મુંબઈ: નવી મુંબઈના ખારઘરમાં લિફ્ટમાં ચાર યુવકો ૯૦ મિનિટ સુધી ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ટેક્નિકલ ખામીને કારણે બંધ પડેલી લિફ્ટમાં દોઢ કલાકથી પણ વધુ સમય કાઢનારા ચારે યુવકોએ સાક્ષાત મૃત્યુનો અનુભવ કર્યો હતો.

નવી મુંબઈના ખારઘરમાં સેક્ટર ૩૪-બીમાં આવેલી ટ્યૂલિપ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગુરુવારે આ દુર્ઘટના બની હતી. અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા  દોઢ કલાક સુધી ચારેય યુવકો લિફ્ટમાં ચોથા માળે વચ્ચે ફસાયેલા રહ્યા હતા. લિફ્ટમાં અંધારુ અને તેમાં પાછું શ્વાસ રૂંધાઈ જતા એક-એક ક્ષણ તેમના માટે  મુશ્કેલ બની ગઈ હતી.  લિફ્ટમાં ફસાઈ ગયા બાદ હાર નહીં માનતા તેમાંથી બહાર નીકળવા માટે તેઓએ બૂમો પાડીને મદદ મેળવવાના પ્રયાસ કર્યા હતા. સદ્નસીબે બિલ્ડિંગના રહેવાસીઓના કાનમાં તેમની મદદની પોકાર સંભળાયા બાદ તાત્કાલિક સિડકો ફાયર સ્ટેશનને ફોન કરાયો હતો અને બાદ ફાયર બ્રિગેડ પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ફાયરબ્રિગેડે કોઈપણ જોખમ લીધા વિના કટર અને સ્પ્રેડરનો ઉપયોગ કર્યો હતો અને કુશળતાપૂર્વક લિફ્ટનો દરવાજો ખોલ્યો. 

જોકે આ બધી કવાયતમાં ૯૦ મિનિટ થઈ ગઈ હતી. ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખુલતા યુવકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ બિલ્િંડગના  રહેવાસીઓમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું હતું. લિફ્ટ અચાનક બંધ થઈ જવાથી અને ટેકનિકલ ખામીને કારણે યુવાનોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. સદનસીબે, ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.