ભુજ: પૂર્વ કચ્છના માર્ગો પર સર્જાયેલા જુદા જુદા ચાર ગમખ્વાર અકસ્માતોમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રથમ બનાવમાં, ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ પર પડાણા નજીક માર્ગની બાજુમાં આડશ વગર પાર્ક કરેલી ટ્રક સાથે પાછળથી આવતી ટ્રક જોશભેર ભટાકાતાં ચાલક જગદીશ યાદવ (રહે. મુન્દ્રા)નું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં, આદિપુર-શિણાય રોડ પર કન્ટેનર ટેઈલરે મોટરસાઈકલને હડફેટે લેતાં ૨૩ વર્ષીય રાજનકુમાર વિનોદરામનું ટાયર નીચે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિકોએ આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
ત્રીજા બનાવમાં, અંજાર-ગાંધીધામ માર્ગ પર સર્વિસ રોડ પર પગપાળા જતા ૭૮ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ માવજીભાઈ પટેલને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ચોથા બનાવમાં, ભચાઉના મોટી ચિરઈ પાસે રાત્રે બારમેડ-ભુજ એસ.ટી. બસે અચાનક બ્રેક મારતાં બસમાં મુસાફરી કરી રહેલા ભુજ ડેપોના એસ.ટી. ડ્રાઈવર પ્રવીણ રાઠોડ (ઉ.વ.૪૩) દરવાજામાંથી બહાર રોડ પર પટકાયા હતા અને પાછળથી આવતા ટેઈલર નીચે આવી જતાં તેમનું કચડાઈ જવાથી નીપજ્યું હતું. તમામ બનાવો અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય