Sat Sep 05 2026

Logo

ઑગસ્ટના પહેલા સપ્તાહમાં વિદેશી રોકાણકારોની રૂ. 12,921 કરોડની ખરીદી

2026-08-09 19:09:40
Author: Ramesh Gohil
ઑગસ્ટના પહેલા સપ્તાહમાં વિદેશી રોકાણકારોની રૂ. 12,921 કરોડની ખરીદી

નવી દિલ્હીઃ તાજેતરમાં બૃહદ્ આર્થિક સ્થિતિમાં સુધારો, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ, ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને રૂપિયામાં સ્થિરતા આવતા ઑગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં વિદેશી રોકાણકારોની ભારતીય ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં રૂ. 12,921 કરોડની ખરીદી રહી હતી. 

અગાઉ સતત ચાર મહિના સુધી વિદેશી રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક વેચવાલી જળવાઈ રહ્યા બાદ ગત જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોનો રૂ. 20,200 કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની ગત માર્ચ મહિનામાં રૂ. 1.17 લાખ કરોડની, એપ્રિલ મહિનામાં રૂ. 60,847 કરોડની, મે મહિનામાં રૂ. 32,963 કરોડની અને જૂન મહિનામાં રૂ. 49,340 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તે પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં રૂ. 22,615 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું સીડીએસએલએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં વિદેશી રોકાણકારોની ખરીદી જોવા મળી રહી હોવા છતાં વર્ષ 2026માં વિદેશી રોકાણકારો ચોખ્ખા વેચવાલ જ રહ્યા છે. કેલેન્ડર વર્ષ 2025માં સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળેલી તેઓની કુલ રૂ. 1.66 લાખ કરોડની વેચવાલી અથવા તો બાહ્યપ્રવાહ સામે વર્ષ 2026માં અત્યાર સુધીમાં તેઓએ રૂ. 2.41 લાખ કરોડ પાછાં ખેંચ્યા છે. 

તાજેતરમાં વિદેશી રોકાણકારોનો જોવા મળેલો આંતરપ્રવાહ મુખ્યત્વે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતનો આશાવાદ ઉપરાંત ક્રૂડતેલના ભાવમાં ઘટાડો તથા રૂપિયામાં સ્થિર વલણ રહેતાં રોકાણકારોનાં માનસમાં બદલાવનો નિર્દેશ આપે છે. વધુમાં રિઝર્વ બૅન્કે વૃદ્ધિ અને ફુગાવાનો વરતારો પ્રોત્સાહક આપતાં રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. તેમ જ ભારતીય ઈક્વિટીમાં ઓછી વિદેશી માલિકી ધરાવનારા માટે નવી ફાળવણીનો અવકાશ પણ સર્જાયો હોવાનું રોકાણ પ્લેટફોર્મ ધરાવતી કંપની ટ્રેકનાં સહ સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વેદાન્ત ગુપ્તેએ જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં વિદેશી રોકાણકારોની જોવા મળેલી ખરીદીમાં મોટાભાગનું રોકાણ સેક્નડરી માર્કેટમાં જોવા મળ્યું છે જે આઈપીઓ કરતાં ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં વધુ રસ હોવાના સંકેત આપે છે. 

વધુમાં બજાજ બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના નાયબ ઉપપ્રમુખ પબિત્રો મુખરજીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવમાં ઘટાડો અને ક્રૂડ તેલના ભાવ ઘટતાં બજારનું સેન્ટિમેન્ટ સુધરતાં સ્થાનિક તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જોવા મળી હતી.