Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં મુસ્લિમ પરિવારને જયશ્રી રામ બોલવા દબાણ કરતાં થઈ બબાલ

2026-03-02 12:33:38
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં કાગડાપીઠ વિસ્તારમાં લગ્નમાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પરિવારને રસ્તા વચ્ચે રોકીને જયશ્રી રામ બોલાવવા બળજબરી જતાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો. નશાની હાલતમાં ચૂર બનેલા એક યુવકે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા મુસ્લિમ પરિવાર ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ સમયે પરિવાર ત્યાંથી જતો રહ્યો હતો અને આગળ જઈને ઘટનાની જાણ અન્ય લોકોને કરી હતી.

થોડીવારમાં સ્થળ પર ભીડ એકઠી થઈ હતી હતી. આ દરમિયાન યુવક ત્યાં પહોંચ્યો હતો અને ભીડે તેને ઘેરી લીધો હતો. આ દરમિયા પેટ્રોલિંગમાં રહેલી પોલીસ આવી પહોંચી હતી.  પોલીસે દખલ કરી યુવકને ભીડમાંથી બચાવી લીધો હતો અને દાણીલીમડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં આશરે 75 જેટલાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને આરોપીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બળનો પ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યો હતો. આ દરમિયાન યુવકની સાથે એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, રમઝાન ચાલતો હોવાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી. સડક પર ભીડ જોઈને પોલીસકર્મી સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિને પારખી યુવકને તેમાંથી બચાવીને લઈ ગયા હતા. ભીડમાંથી ઘણા લોકો પોલીસ વેનનો પીછો કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા.

ડીસીપીના કહેવા પ્રમાણે આ કેસમાં બીજી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. પ્રથમ એફઆઈઆર કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ધાર્મિક લાગણી દુભાવવા અને છોકરી સાથે ગેરવર્તણુંક કરવા સંબંધિત છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી એફઆઈઆર દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અંતર્ગત નોંધવામાં આવી છે.

બીજી એફઆઈઆરમાં 75 જેટલો લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાહિદ સૈયદ, સમીર શખ, રિયાઝ ચાવડા, ગુલામ કાસમ, ફિરોઝ સત્તર, માહિઝ અને અસલમ સહિત 7 લોકોનો નામજોગ ઉલ્લેખ છે. જે પૈકી 4ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.