Sat Jun 06 2026

Logo

આભમાંથી વરસતી આગ: અમદાવાદમાં 56 દિવસમાંથી 53 દિવસ કાળઝાળ ગરમી

2026-06-06 10:02:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 15 જૂન આસપાસ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થશે. ચોમાસું નજીક હોવા છતાં અમદાવાદમાં હજુ પ્રચંડ ગરમી પડી રહી છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગના આંકડા પ્રમાણે, આ વર્ષના છેલ્લા 56 દિવસથી 53 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું હતું. માત્ર 3 દિવસ જ તાપમાનનો આંકડો 40થી નીચે રહ્યો હતો.

અતિશય ગરમીના દિવસો વધ્યા

અમદાવાદમાં ગરમીનો આંકડો એક લાંબા ગાળાના ચિંતાજનક ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે. રિપોર્ટ પ્રમાણે,  સમય જતાં શહેરમાં 40 ડિગ્રી પ્લસ તાપમાન ધરાવતા દિવસોની સંખ્યા વધી રહી છે. 1991-2000 દરમિયાન વાર્ષિક સરેરાશ આવા 35 દિવસો હતા, જે વધીને હવે 53 થઈ ગયા છે. આ ગરમી મુખ્યત્વે માર્ચના મધ્યથી જૂનના મધ્ય વચ્ચે પડે છે, એટલે કે આશરે 35 વર્ષમાં આવા દિવસોમાં 18 દિવસનો વધારો થયો છે.

તાજેતર વર્ષો પર નજર કરીએ તો  2023, 2024 અને 2025 માં અનુક્રમે 36, 57 અને 60 દિવસ એવા હતા જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ રહ્યું હતું, જેના કારણે કાળઝાળ ગરમીનો અનુભવ હવે લગભગ બે મહિના જેટલો લાંબો થઈ ગયો છે.

અમદાવાદમાં કેમ વધી ગરમી?

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  છેલ્લા કેટલાક દાયકાઓમાં અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્યના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ક્લાઈમેટ ચેન્જથી લઈને શહેરીકરણ અને અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ જેવા વિવિધ પરિબળો આ સ્થિતિ માટે જવાબદાર છે.

રાત્રિના તાપમાનમાં વધારો અને સ્વાસ્થ્ય પર અસરો

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાહેર આરોગ્ય પર થતી અસરો ચિંતાનો મોટો વિષય છે, અને તે માત્ર દિવસના ઊંચા તાપમાનને કારણે જ નથી.  મહત્તમ તાપમાન જેટલું જ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ મહત્વનું છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ એ છે કે સૂર્યાસ્ત પછી પણ સાંજના અને રાત્રિના કલાકોમાં શહેર ઠંડું પડતું નથી. જ્યારે લઘુત્તમ તાપમાન પણ 28-30 ડિગ્રીની આસપાસ રહે છે, ત્યારે ગરમીનું આ ચક્ર ચાલુ જ રહે છે. સિમેન્ટના બાંધકામો અને રસ્તાઓ દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને રાત્રે તેને બહાર ફેંકે છે, જેનાથી તાપમાન ઊંચું રહે છે. જ્યાં સુધીમાં શહેર ઠંડું થવાનું શરૂ કરે, ત્યાં સુધીમાં તો ગરમીનું નવું ચક્ર શરૂ થઈ જાય છે.