(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઉંચી ઇમારતોમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે મુંબઈ મહાનગર પાલિકા શહેરી વિસ્તારોમાં આગ જેવી કટોકટીને પહોંચી વળવા ફાયર બ્રિગેડને મજબૂત બનાવવા માટે નવી ફાયર ફાઈટિંગ ટેકનોલોજી અમલમાં મૂકવાની છે.
પાલિકા ઝડપી અને વધુ સક્ષમ રીતે આગ બુઝાવવા પાણીનો છંટકાવ કરવા કમ્પ્રેસ્ડ એર ફોમ સિસ્ટમ્સ (સીએએફએસ) દાખલ કરવાની યોજના ધરાવે છે. પરંપરાગત પાણી-આધારિત પદ્ધતિઓથી વિપરીત, સીએએફએસ ઉચ્ચ-દબાણવાળા ફોમનો ઉપયોગ કરે છે જે ઊંચા માળ સુધી ઓછા પાણી સાથે વધુ ફોર્સ સાથે અસરકારક રીતે પહોંચવા માટે સક્ષમ છે. તેમ જ પાણીનો ઓછો વપરાશ અને કોલેટરલ નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. આ સિસ્ટમ ખાસ કરીને ઉંચી ઇમારતો માટે યોગ્ય છે, જ્યાં બિલ્ડિંગમાં ઉપર જવા મર્યાદિત ઍક્સેસ હોય છે અને ઓછા સમયમાં પરિસ્થિતિને ઝડપી રીતે નિયંત્રણમાં લાવવાની જરૂર હોય છે.
પાલિકાના ૨૦૨૬-૨૭ બજેટ અનુસાર, ડિઝાઇન, પુરવઠો, સ્થાપન, પરીક્ષણ અને કમિશનિંગને આવરી લેતો એડવાન્સ ફાયર ફાઈટિંગ સિમ્યુલેટર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એપ્રિલ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, તેની માટે ૨૩૦.૯૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલિકા ઊંચી ઇમારતોમાં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને મદદ મળી રહે તે માટે ડ્રોન તૈનાત કરશે, જે ચોકસાઇ અને અગ્નિશામક સલામતી બંનેને વધારવા માટે ઉપરના માળ પર વાસ્તવિક સમયની દેખરેખ, આગનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે.
પાલિકાએ ઊંચી ઇમારતોમાં બચાવ અને ફાયર સેફ્ટી વધારવા માટે ૩૨ મીટર અને ૪૦ મીટરના ટર્નટેબલ સીડી સહિત પાંચ હાઇ રાઈસ ફાયર ફાઈટિંગ વેહિકલની ખરીદી પણ શરૂ કરી છે. વધુમાં, ૨૦૨૬-૨૭ના બજેટ મુજબ, ૨૪ મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ઇન-બિલ્ટ હાઇ-રાઇઝ પંપ સાથે ચાર સંયુક્ત ફર્સ્ટ-રિસ્પોન્ડર વાહનો ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. ૨૫૦ મીટર સુધી ઊભી રીતે પાણી પહોંચાડવા સક્ષમ ૧૧ એડવાન્સ ફર્સ્ટ રિસ્પોન્સ ફાયર એન્જિન માટે ટેન્ડર પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જ્યારે આપત્તિ સ્થળો માટે હાઈ પ્રેશર પંપ અને લાઇટિંગ સાથે ચાર સપોર્ટ વેહિકલ હાલમાં ખરીદી હેઠળ છે.
પાલિકાએ એ જણાવ્યું હતું કે એલબીએસ રોડ, કાંજુરમાર્ગ (પશ્ચિમ) ખાતે નવું ફાયર સ્ટેશન પૂર્ણ થવાના આરે છે, જ્યારે મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) નજીક એક સ્ટેશન ઝડપી રીત કટોકટીને પહોંચી વળવા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (પશ્ચિમ), માહુલ રોડ, ચેમ્બુર અને તિલક નગર ખાતે વધારાના ફાયર સ્ટેશનોનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે