Tue Apr 21 2026

Logo

માતા-પિતા પાસે ઘરખર્ચની અપેક્ષા રખાય?

2026-04-02 09:50:50
Author: Neela Sanghvi
Article Image

તમારો દીકરો બે યુવાન સંતાનનો બાપ થઈ જાય અને છતાંયે તમારી અપેક્ષા રાખ્યા કરે તે યોગ્ય છે? એ દીકરો હજુ પણ ઈચ્છે કે તેના મા- બાપ ઘરખર્ચમાં ભાગ આપે એ પણ અડધો અડધ એ વાત યોગ્ય છે? શું મા- બાપની જિંદગીનાં છેલ્લાં કેટલાંક વર્ષ દીકરો માતા-પિતા માટે ખર્ચ ન કરી શકે?

કરવો જ જોઈએ. મા- બાપ પાસે ઘરખર્ચમાં પૈસાની અપેક્ષા શા માટે રાખવાની? આ વૃદ્ધ માતા-પિતા પાસે કોણ જાણે એ કેટલાં વર્ષ બચ્ચા હશે? બોનસના વર્ષ તે જીવી રહ્યા છે. એવા સમયે એક દીકરો મા-બાપ પાસેથી ઘરખર્ચમાં ભાગ માગે એ કેટલું વિચિત્ર લાગે છે નહીં? છેલ્લાં વર્ષો તો તેમને શાંતિથી કોઈ જવાબદારી વગર જીવવા દો ને, યાર,,, ના, પણ એવું નથી થતું. આજનું પ્રેક્ટિકલ થયેલું જનરેશન ફ્કત પૈસાની જ ભાષા સમજે છે, દિલની નહીં. શૈલેષભાઈ અને સંગીતાબહેન સાથે આવું જ બન્યું.

શૈલેષભાઈ-સંગીતાબહેનને એકનો એક લાડકો દીકરો સંજીવ જેટલો દેખાવડો એટલો જ ચબરાક. નાનો હતો ત્યારથી જોતા જ ગમી જાય એવા સંજીવને સગાં-વહાલા, આડોશી-પાડોશી સૌ રમાડવા લઈ જાય. સંગીતાબહેનના હાથમાં એ બહુ ઓછો આવે. એથી સંગીતાબહેનને તો ખબર જ ના પડી કે સંજીવ ક્યારે મોટો થઈ ગયો. ઉચ્ચ શિક્ષણ લીધાં બાદ સંજીવનું મન પરદેશ ભણવા જવા માટે હતું, પણ માતા-પિતાનું મન માનતું ન હતું. એકના એક દીકરાને નજરથી દૂર કરવાની તેમની ઈચ્છા ન હતી. માતા-પિતાની લાગણીને માન આપીને સંજીવ માની ગયો અને કરિયર સ્વદેશમાં જ શરૂ કરી સાથે નોકરી કરતી યુવતી સાથે પ્રેમબંધનમાં બંધાયો અને પછી માતા-પિતાના આશીર્વાદ સાથે લગ્નબંધનમાં બંધાયો. માતા-પિતાની ખુશીનો પાર નથી. સંજીવ જેવી જ દેખાવડી સાંચી વહુ ઘરમાં આવી. બધું સરસ ચાલતું હતું. ઘરમાં શૈલેષભાઈ-સંગીતાબહેન અને સંજીવ-સાંચી એમ ચારનો પરિવાર. વર્ષો સુધી તો ઘર ખર્ચ શૈલેષભાઈ ઉઠાવતા હતા.

સંજીવ કમાતો થયો તો પણ શૈલેષભાઈ તેની પાસેથી ઘરખર્ચ માટે કંઈ લેતા ન હતા. સંજીવના લગ્ન પછી સંજીવે જ ઘરખર્ચમાં પોતાનો ભાગ આપવા માંડ્યો. શૈલેષભાઈએ ના પાડી સંગીતાબહેને સમજાવ્યું, ‘ક્યાં સુધી તમે જવાબદારીઓ માથે લઈને ફરશો? હવે સંજીવ નાનો નથી એને માથે પણ જવાબદારી નાખો અને ક્યાં તમે પૂરું ઘરખર્ચ એના માથે નાખો છે? એમ કરો જે ખર્ચ થાય તે અડધો અડધો કરી નાખો.’ 

શૈલેષભાઈને સંગીતાબહેનની વાત જચી ગઈ અને પિતા-પુત્ર જે ઘરખર્ચ થાય તે અડધો-અડધ કરી લેતા.

થોડા સમય પછી સાંચીએ ખુશખબર આપ્યા. પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. પ્રથમ પગલે લક્ષ્મીજી પધાર્યા. સૌએ ખુશી ખુશી દીકરીને વધાવી આમ પણ સંગીતાબહેનને પોતાને દીકરી ન હોવાથી તેઓ તો ઈચ્છતા જ હતા કે સાંચી દીકરીને જન્મ આપે તો સારું. માતા-પિતા અને દાદા-દાદીના પ્રેમમાં તરબોળ દીકરી મોટી થવા લાગી. ત્રણ વર્ષ બાદ સાંચીને ફરી સારા દિવસો રહ્યા. આ વખતે સાંચીને ટ્વિન્સ જનમ્યા. એક દીકરો અને એક દીકરી. ઘરમાં બાળકોનો કલરવ ગુંજી ઊઠ્યો. દાદા-દાદી ખુશખુશાલ છે.

પરિવારમાં ચાર સભ્ય હતા તેમાંથી હવે સાત સભ્ય થઈ ગયા. ખર્ચો બહુ જ વધી ગયો. ત્રણ તો નાના બાળક બાળકોનો ખર્ચ તો બાપરે બાપ! હવેના જમાનામાં બાળક ઉછેરવું મોંઘું પડે એવી સ્થિતિ છે.     

આ વર્ષો દરમિયાન શૈલેષભાઈની તબિયત બગડી. કિડનીનો પ્રોબ્લેમ ધીમે ધીમે પ્રોબ્લેમ ડાયાલિસિસ સુધી પહોંચ્યો. શૈલેષભાઈને દર અઠવાડિયે ડાયાલિસિસ માટે જવું પડતું. ડાયાલિસિસનો ખર્ચ, દવાનો ખર્ચ. શૈલેષભાઈનો પોતાનો ખર્ચ વધતો જતો હતો અને ઘરનો ખર્ચ પણ વધતો જતો હતો. કોઈ ડોનર મળે તો કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી પણ કરાવવાની હતી. ડોનરને પણ પૈસા ચૂકવવા પડે. શૈલેષભાઈને ચિંતા થવા લાગી. હવે બધાં ખર્ચને કઈ રીતે પહોંચી વળાશે? તે મેડિકલેઈમનું પ્રીમિયમ પણ ભરી શક્યા ન હતા તેથી હવે તો બધો ખર્ચ પોતાના ખિસ્સામાંથી જ કરવો પડે એમ હતો.

શું કરવું? સંગીતાબહેન સાથે ચર્ચા કરી. સંગીતાબહેને કહ્યું. ‘સંજીવને વાત કરીએ. તેને કહીએ કે અમે હવે અડધોઅડધ ઘરખર્ચ નહીં આપીએ. આમ પણ તે બધા પાંચ છે અને આપણે બે જ છીએ. વળી બાળકોનો ખર્ચ બહુ મોટો છે. આપણી પાસે હવે વધારે બચત રહી નથી.’ પતિ-પત્નીએ મસલત કરીને દીકરાને વાત કરી.

દીકરો ભડક્યો, ‘તમે બે જ છો તો શું થઈ ગયું? તમે એ.સી. નથી વાપરતા? ટી.વી. નથી જોતા? ને મારાં બાળકો છે તો એ તમારા કાંઈ નથી? તમે એના ખર્ચની ગણતરી કરો છો?’      
                                
‘બેટા, અમે બાળકોના ખર્ચની ગણતરી નથી કરતા પણ અમારી હાલત પણ કથળી ગઈ છે. બચત ઘટતી જાય છે. હવે અમે પહોંચી શકતાં નથી.’

સંજીવ માતા-પિતાની વાત સાંભળવા તૈયાર જ ન હતો. હવે શૈલેષભાઈ-સંગીતાબહેન મુંઝાયાં છે. ઘરમાં મનમુટાવ શરૂ થઈ ગયો છે. આવા વાતાવરણમાં વૃદ્ધ પતિ-પત્ની મુંઝાય છે? શું કરવું? જુદા થઈ જવું. હાલમાં પોશ એરિયામાં મોટું ઘર છે. એમાં થોડા ઘટતા પૈસા સંજીવે પણ આપ્યા હતા. એ ઘર વેચીને તેના ભાગ પાડીને દૂરના પરામાં નાનકડો ફ્લેટ લઈને રહેવું કે પછી આવી જ હાલતમાં રહેવું? હવે કોઈ સંજોગોમાં શૈલેષભાઈ અડધો-અડધ ખર્ચ અફોર્ડ કરી શકે તેમ જ નથી. અને સંજીવ-સાંચીને એ મંજૂર નથી. શૈલેષભાઈ-  સંગીતાબહેન શું કરવું? શું ન કરવું? ની કશ્મકશમાં અટવાયેલા છે...            

છે તમારી પાસે આનો કોઈ ઉકેલ?