અંધારઘેરા વાતાવરણમાં કેમેરો પેન થતાં આગળ વધે છે. આપણે સમજી જઈએ છીએ કે બંધ ફલેટમાં દબાતાં પગલે આગળ વધી રહેલાં મહાશય ચોરીનો મનસૂબો ધરાવે છે, પણ અચાનક ચોર (કેમેરા)ની આંખે બાથટબમાં વિકૃત રીતે ઓગળી ગયેલાં હાડમાંસ સાથેનું કંકાલ પડ્યું છે અને... ખળભળી ગયેલો ચોર ભાગતાં - ભાગતાં જાણી જોઈને ઈમર્જન્સી સાયરન વગાડતો જાય છે. સ્વાભાવિક છે કે વહેલી સવારે પોલીસ અને ડિટેકટીવ પહોંચી ગયા છે. ઈન્વેસ્ટિગેશન શરૂ થાય છે.
કટ ટૂ ....છપ્પન દિવસ પહેલાં.ફુટડી યુવતી સિયારા સુપરમાર્કેટમાં ખરીદી કરી રહી છે ત્યારે જ હેન્ડસમ યુવક ઓલિવર તેને જુએ છે. સુપરમાર્કેટમાંથી બહાર નીકળ્યા પછી બન્ને વચ્ચે થતી વાતચીતમાં આપણને જાણવા મળે છે કે બન્ને શહેરમાં નવા-નવા આવ્યા છે. બન્ને શહેરનાંં સ્થળો સાથે જોવાના ઈરાદે ફરી કોફી શોપમાં મળવાનું નક્કી કરે છે.
બીજી તરફ (56 દિવસ પછી) ફલેટ ખોલીને પોલીસ તેમજ ડિટેકટીવે તપાસ આરંભી છે. જે પીગળી ગયેલું હાડપિંજર મળ્યું છે, એ ફલેટ એક કંપનીએ ભાડાં પર લીધેલો છે. ખબર પડે છે કે કંપનીએ આ ફલેટ ઓલિવર નામના પોતાના કર્મચારીને રહેવા માટે આપેલો છે.
સિકયોરીટી જણાવે છે કે ફલેટમાં છેલ્લાં થોડા દિવસથી એક યુવતી પણ ઓલિવર સાથે રહેતી હતી.
કટ ટૂ (ઘટના બન્યાના) ત્રેપન દિવસ પહેલાં...
નાના, ગંદા અને ઉધઈગ્રસ્ત ફલેટને સિયારા વ્યવસ્થિત કરી રહી છે. ઉધઈ અને જીવાત તરત નજરે ચડે તેમ આજુબાજુનું બધું હટાવી દે છે, કારણ કે આજે નવો-નવો બોયફ્રેન્ડ બનેલો ઓલિવર તેના ઘરે આવવાનો છે. ઓલિવર આવીને સિયારાની બેચેનીનું કારણ પૂછે છે એટલે સિયારા જણાવે છે કે, બિલ્ડિંગમાં રિપેરિંગ કામ શરૂ થતું હોવાથી તેણે ફલેટ ખાલી કરવો પડે તેમ છે. રહેવા માટે નવી જગ્યા શોખવાનું ટેન્શન પરેશાન કરી રહ્યું છે સિયારાને.
‘તું મારા ફલેટ પર આવી જા...’ ઓલિવરના આમંત્રણ બાદ થોડી ના-નકર પછી ઓલિવરના ફલેટમાં શિફટ થવા સિયારા તૈયાર થાય છે અને...
હત્યા થયેલાં ફલેટમાં પડેલું હાડપિંજર યુવકનું છે કે યુવતીનું, એ જાણવા માટે હાડપિંજરને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે છે પણ પ્રથમદર્શી તારણ એવું છે કે લાશને કેમિકલ યા એસિડ નાખીને ઓગાળવામાં આવી છે...
નેટફલિક્સ પર જોવા મળતી ‘ફિફટી સિકસ ડેઈઝ’ને તમે જોવાની શરૂ કરો તેની પંદર - વીસ મિનિટમાં સસ્પેન્સની છાયાાવાળું આવું ધૂંધળું ચિત્ર તમારી સામે ઊપસે છે, જે તમને આઠ એપિસોડ સુધી ખેંચી જાય છે કારણ કે લવસ્ટોરીના ટોપિંગ સાથેનું આ એક મર્ડર મિસ્ટ્રી કમ રિવેન્જ ડ્રામા છે. કેથરિન રવાન હોવર્ડની નવલકથા પરની બનેલી આ અમેરિકન વેબસિરીઝના ડીએનએ કોરિયન હોય તેવું તેમાં થ્રીલ છે. આરંભમાં તો આ હાડપિંજર સિયારાનું છે કે ઓલિવરનું... એ અકળામણ જ મજેદાર બની જાય છે. પાત્રાલેખન જ એટલું અસરદાર છે કે શંકાનું લોલક બન્ને તરફ સરકતું રહે છે. અલબત્ત, વાર્તા એક અલગ અંદાઝમાં એડિટ કરીને દર્શકો સામે પેશ કરવામાં આવી છે. આરંભે વાંચ્યું તેમ, વાર્તાના આજના દિવસથી શરૂ થાય છે. છપ્પન દિવસનો ફલેશ બેક પણ દિવસવાર (બાવનમો દિવસ, ચાલીસમો દિવસ) દેખાડવામાં આવ્યો છે. એક તરફ ઈન્વેસ્ટિગેશન ચાલે છે, બીજી તરફ વીતેલાં છપ્પન દિવસ ઉઘડી રહ્યા છે. ક્યારેક આ પ્રકારનું નેરેશન ઈરિટેડ કરે છે પણ આળસ મરડીને જાગેલું કુતૂહલ તમને વેબસિરીઝ પડતી મૂકવા દેતું નથી.
અલગ - અલગ ચાર ડિરેકટર અને સાત રાઈટરે ભેગા મળીને લખેલી ‘ફિફટી સિકસ ડેઈઝ’ વેબસિરીઝની લીડ અપેરમાં ઓલિવર તરીકે અવન જોગિયા અને સિયારા તરીકે ડોવ કેમરૂન પણ ત્રણ ડઝનથી વધુ ફિલ્મો કરીને મંજાયેલા કલાકાર છે અને તેમનું પાત્રાલેખન
એવું સચોટ થયું છે કે દર્શક ધારણાંઓના ઠેબાં ખાતા રહે છે , કારણ કે ટર્ન અને ટ્વિસ્ટ બાબતમાં ‘ફિફટી સિકસ ડેઈઝ’ ફૂલ્લી માર્કથી પાસ થાય તેવી છે. જરૂર જોજો...