Sat Jun 27 2026

Logo

સ્પોર્ટ્સમૅનઃ રોમાંચ... ઉત્તેજના: ફિફા વર્લ્ડ કપ નજીક આવી ગયો છે!

2026-05-16 08:40:00
Author: Ajay Motiwala
Article Image

અજય મોતીવાલા

ભારતમાં ક્રિકેટ ધર્મની જેમ પૂજાય છે, સચિન તેન્ડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે, ઘણા ક્રિકેટપ્રેમીઓના હૃદયમાં એમએસ ધોની તથા વિરાટ કોહલી જેવા દિગ્ગજો ઈશ્વરની જેમ બિરાજમાન છે, પરંતુ ખેલકૂદપ્રેમીઓ પોતાની મનપસંદ અન્ય રમતોની મૅચ અને ટૂર્નામેન્ટ જોવાનું પણ નથી ચૂકતા હોતા અને એમાં પણ ફિફા વર્લ્ડ કપ હોય તો વાત જ શું કરવી!

દર ચાર વર્ષે રમાતો ફૂટબૉલ વર્લ્ડ કપ નજીક આવી ગયો છે. આગામી 11મી જૂનથી 19મી જુલાઈ સુધી અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે ફિફા વર્લ્ડ કપ રમાશે. ભારત ભલે આ વિશ્વકપ સુધી હજી નથી પહોંચ્યું, પણ ભારતમાં ફૂટબૉલપ્રેમીઓની સંખ્યા કરોડોમાં છે અને એમાં પણ ફિફા વર્લ્ડ કપ રમાવાનો હોય તો દેશભરમાં ફૂટબૉલનો જબરો ક્રેઝ જોવા મળતો હોય છે. 

આપણા દેશમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, કેરલમ, ગોવા અને ઇશાન ભારતનાં રાજ્યો (ખાસ કરીને મણિપુર, મિઝોરમ, મેઘાલય)માં ફૂટબૉલ સૌથી વધુ રમાય છે, પણ ટીવી પર વિશ્વ કપની મૅચોની મોજ લગભગ દરેક રાજ્યમાં માણવામાં આવે છે. ઘણા ફૂટબૉલચાહકો તો વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પોતાના અંગત કામકાજનું કે પ્રસંગોનું શેડ્યૂલ નક્કી કરતા હોય છે અને જ્યારે આ મેગા ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચો તથા ફાઇનલના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઈને મેગા સ્ક્રીન પર જોતા હોય છે. ખાસ કરીને કેરલમમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના-તરફી ફૂટબૉલપ્રેમીઓ બે જૂથમાં વહેંચાઈ જતા હોય છે અને આ દેશની ટીમ મૅચ જીતે એટલે જાહેર માર્ગો પર ઉજવણી થતી હોય છે.

બંગાળમાં આ વખતે અલગ જ ઉત્સવ જોવા મળી શકે

પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી સામ્યવાદીઓ અને ડાબેરીઓનું શાસન હતું, પરંતુ આ મહિને પહેલી જ વખત ભાજપની સરકાર સત્તારૂઢ થઈ છે. રમતગમતપ્રેમીઓ માટે રાજકીય પક્ષ જેવું કંઈ હોતું નથી. તેઓ પોતાની ફેવરિટ રમતના પ્રવાહમાં જ વહી જતા હોય છે. જોકે બંગાળમાં આ વખતે વર્લ્ડ કપ દરમ્યાન ફૂટબૉલપ્રેમીઓના સંગઠનો સાથે નવી રાજ્ય સરકારનું અનોખું `ગઠબંધન' જોવા મળશે તો નવાઈ નહીં લાગે. 

કહેવાનો અર્થ એ છે કે આ રાજ્યમાં આવનારા સમયમાં (ફિફા વર્લ્ડ કપ નિમિત્તે) ફૂટબૉલની રમતને લગતી નવી માળખાકીય સગવડો તેમ જ લોકોને ફૂટબૉલનો વર્લ્ડ કપ ભેગા બેસીને જાહેરમાં મેગા સ્ક્રીન પર માણવા મળે એવી કોઈક વ્યવસ્થા કરવામાં આવશે તો નવાઈ નહીં લાગે.

2022 એટલે મેસીનો વર્લ્ડ કપ

સમય પસાર થતા વાર નથી લાગતી. લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ કતારમાં ફિફા વર્લ્ડ કપ જીતી લીધો એને ચાર વર્ષ થઈ ગયાં, પણ એવું લાગે છે કે હજી થોડા મહિના પહેલાં જ એ સૉકરોત્સવ યોજાયો હતો. આર્જેન્ટિનાએ ચાર વર્ષ પહેલાં ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં (2022ની 18મી ડિસેમ્બરે) ફ્રાન્સને 3-3ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી પરાજિત કરીને ત્રીજી વખત ટાઇટલ જીતી લીધું હતું. 

મુખ્ય મૅચમાં લિયોનેલ મેસીએ બે ગોલ કર્યા હતા અને ડિ મારિયાએ એક ગોલ કર્યો હતો, જ્યારે ફ્રાન્સ વતી કીલિયાન ઍમ્બપ્પેએ એક પછી એક ત્રણ ગોલ કરીને (વન મૅન શૉમાં) ફ્રાન્સને સ્કોર 3-3ની બરાબરીમાં કરાવી આપ્યો હતો. જોકે શૂટઆઉટમાં આર્જેન્ટિનાની ટીમ ચાર ગોલ કરવામાં સફળ રહી હતી, જ્યારે ફ્રાન્સના ખેલાડીઓ ચારમાંથી બે પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા અને આર્જેન્ટિનાએ ડિયેગો મૅરડોનાના ચમત્કારિક પર્ફોર્મન્સવાળા 1986ના વર્લ્ડ કપ પછી 36 વર્ષે ફરી એક વખત ટાઇટલ પર મહોર લગાવી હતી.

2022માં 32 ટીમ, 2026માં 48 ટીમ

2022ના ફિફા વર્લ્ડ કપમાં 32 દેશની ટીમે ભાગ લીધો હતો, પરંતુ આ વખતે અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે વર્લ્ડ રેકૉર્ડ યોજાવાનો છે અને એમાં કુલ મળીને 48 દેશની ટીમ ભાગ લેશે. કેપ વર્ડે, ક્યૂરસૉ જેવા બે અજાણ્યા દેશો તેમ જ ઉઝબેકિસ્તાન પહેલી જ વખત ફિફા વર્લ્ડ કપમાં રમશે. જોકે નવાઈની વાત એ છે કે 1934થી 2006 સુધીમાં ચાર વખત ટાઇટલ જીતી ચૂકેલી ઇટલીની ટીમ આ વખતે પણ ક્વૉલિફાય નથી થઈ શકી.           

ભારતની ટીમ નથી, પણ ત્રણ `ભારતીય' ખેલાડીઓ રમશે!

2026ના ફિફા વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ત્રણ ફૂટબૉલર રમવાના છે. વર્લ્ડ કપમાં એશિયાના દેશો (ખાસ કરીને કોરિયા, ઇરાન, ઇરાક વગેરે)ની મોટી ભૂમિકા રહી છે, પરંતુ ભારતની ટીમ ક્વૉલિફાય નથી થઈ શકતી. જોકે ત્રણ ખેલાડી એવા છે જેઓ ભારતીય મૂળના છે અને વર્લ્ડ કપ માટેની વિવિધ દેશોની ટીમમાં સામેલ છે: સરપ્રીત સિંહ ન્યૂ ઝીલૅન્ડ વતી રમશે. ન્યૂ ઝીલૅન્ડને 16 વર્ષે વર્લ્ડ કપમાં પ્રવેશ મળ્યો છે. 

27 વર્ષના સરપ્રીત સિંહનો જન્મ ઑકલૅન્ડમાં થયો હતો. તેના મમ્મી-પપ્પા મૂળ ભારતનાં છે. કતારની ટીમમાં નિઆલ મૅસન નામનો જે ખેલાડી છે તેના મમ્મી મૂળ ભારતનાં છે. નિઆલ પ્રોફેશનલ ફૂટબૉલમાં રિયલ મૅડ્રિડ, સધમ્પ્ટન, ઍસ્ટન વિલા અને બ્લૅકબર્ન રૉવર્સ વતી રમી ચૂક્યો છે. કતારની જ ટીમમાં તેહસિદ જમશીદ નામનો જે પ્લેયર છે તેના મમ્મી મૂળ કેરલમના છે. મલયાલમ ભાષાથી પરિચિત જમશીદના મમ્મી અકાઉન્ટન્ટ છે.