Mon Sep 14 2026

Logo

સ્ત્રી શક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો અદભૂત સંગમ: ફલક અંતાણીના ચિત્રોનું સોલો પ્રદર્શન

2026-03-14 15:12:00
Author: Mumbai Samachar Team
સ્ત્રી શક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનો અદભૂત સંગમ: ફલક અંતાણીના ચિત્રોનું સોલો પ્રદર્શન

અમદાવાદ: વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ફલક પર અમદાવાદનું કલા જગત એક અનોખા રંગે રંગાયું છે. શહેરના જાણીતા કનોરીયા સેન્ટર ફોર આર્ટસની ઊર્મિલા આર્ટ ગેલેરી ખાતે 13 થી 15 માર્ચ, 2026 દરમિયાન ‘ચિત્રોક્તિ’ નામનું વિશેષ ચિત્ર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. અંગ્રેજી સાહિત્ય અને ફાઇન આર્ટ્સના સ્નાતક એવા ઉભરતા કલાકાર ફલક અંતાણીનું આ પ્રથમ સોલો પ્રદર્શન છે, જે સ્ત્રી શક્તિને એક અર્ઘ્ય સમાન ગણવામાં આવે છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કલાગુરુ કનુભાઈ પટેલ, વરિષ્ઠ ચિત્રકાર વૃંદાવન સોલંકી અને લોક સાહિત્યકાર યોગેશ ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પરષોત્તમભાઈ રૂપાલા, જય વસાવડા અને હિતુ કનોડિયા જેવા દિગ્ગજોએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી કલાકારને પ્રોત્સાહિત કર્યા હતા.

ફલક અંતાણી માટે કલા એ માત્ર શોખ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. તેમના પિતા અને જાણીતા અભિનેતા-દિગ્દર્શક દીપક અંતાણીના નાટક અને ફિલ્મોના વાતાવરણમાં ઉછરેલા ફલકે બાળપણથી જ અભિવ્યક્તિ અને સંવેદનશીલતાને નજીકથી નિહાળી છે. 'ચિત્રોક્તિ' વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, આ ચિત્રમાળા તેમની આંતરિક યાત્રા અને જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. પ્રકૃતિ અને માતાના અડીખમ સહકારમાંથી મેળવેલી ઉર્જા તેમના કેનવાસ પર સાકાર થઈ છે. તેમના મતે, પ્રકૃતિની સ્થિરતામાં માતાની હૂંફ અને સંઘર્ષ સામે ટકી રહેવાની શક્તિનો પ્રતિધ્વનિ સંભળાય છે, જે તેમની સર્જન પ્રક્રિયાનો મુખ્ય આધાર રહ્યો છે.

આ પ્રદર્શનની વિશેષતા તેમાં રહેલું આધ્યાત્મિક ઊંડાણ છે. ફલકે બ્રહ્માંડની સર્જન અને વિસર્જનની શક્તિ એટલે કે 'સ્ત્રી ઉર્જા'ને પરંપરાગત આકારોને બદલે તંત્ર શાસ્ત્રના પ્રતિકો દ્વારા રજૂ કરી છે. તેમણે ત્રિકોણીય સ્વરૂપો, શંખ, પદ્મ અને વિવિધ શસ્ત્રોને આધ્યાત્મિક ઉર્જા ચક્રોના રંગ તરંગો સાથે સાંકળીને એક દૈવી સ્તુતિ સમાન ચિત્રો કંડાર્યા છે.


આ ઉપરાંત, ભારતીય મહાકાવ્ય 'મહાભારત'નું શક્તિશાળી પાત્ર દ્રૌપદી અને અન્ય પૌરાણિક કથાઓ પણ તેમના સર્જનનું પ્રેરણાસ્ત્રોત રહી છે. અસ્મિતા, વજૂદ અને આંતરિક રૂપાંતરણ જેવા ગહન વિષયોને તેમણે રંગોના માધ્યમથી વાચા આપી છે.

'ચિત્ર-ઉક્તિ' એટલે કે કંઈક કહેતા કે બોલતા ચિત્રો. ફલક અંતાણીના મતે સ્ત્રીશક્તિ માત્ર કોઈ આકાર કે વિચાર નથી, પરંતુ એક જીવંત અનુભૂતિ છે. આ પ્રદર્શન દ્વારા તેઓ દર્શકોને થોડી ક્ષણ થોભીને પોતાના અંતરમાં વસતી દૈવી શક્તિ સાથે જોડાવાનું આમંત્રણ આપે છે.


કલાગુરુ કનુ પટેલના માર્ગદર્શન હેઠળ ખીલેલી તેમની આ સર્જનયાત્રા એ સ્મરણ કરાવે છે કે સ્ત્રીત્વ માત્ર નાજુક કે કોમળ નથી, પરંતુ તે સમગ્ર સૃષ્ટિના સર્જન અને અસ્તિત્વનો પાયો છે. જ્યારે આજે વિશ્વમાં શક્તિ અને કરુણાની સંતુલિત જરૂરિયાત છે, ત્યારે આ પ્રદર્શન કલાના માધ્યમથી એક મહત્વપૂર્ણ સામાજિક અને આધ્યાત્મિક સંદેશ પહોંચાડે છે.