Sun Jul 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ પેપર લીકનું ઘોર પાપ વારંવાર કેમ થાય છે?

2026-07-22 07:40:07
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

એમબીબીએસ સહિતના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન નીટના પેપર લીકના મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ દિલ્હીના જંતર મંતરમાં અડિંગો જમાવ્યો છે ને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી જોરશોરથી થઈ રહી છે. લાંબા સમયથી દેખાવો થઈ રહ્યા છે પણ મોદી સરકાર આ દેખાવોની અવગણના જ કરી રહી હતી. હવે અચાનક સરકાર સફાળી જાગી છે અને એક તરફ સીજેપી સાથે વાટાઘાટો શરૂ કરી છે ત્યારે બીજી તરફ મૌન ધારણ કરીને બેઠેલા આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોં ખોલી દીધું. 

મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં પેપર લીકને ઘોર પાપ ગણાવીને નીટ પેપર લીક મામલે પોતાની સરકારે શું કર્યું તેનો હિસાબ રજૂ કર્યો. મોદીનો દાવો છે કે, સરકારે જવાબદાર તમામ લોકો સામે પગલાં લીધાં છે અને ધરપકડો કરી છે. નીટની પરીક્ષા પણ ફરી લેવડાવીને વિદ્યાર્થીઓને થયેલો અન્યાય દૂર કરવા પ્રયત્ન કર્યો છે.

મોદી સરકારે નીટ પેપર લીક કેસમાં ધરપકડો કરાવડાવી છે ને ફરી પરીક્ષા પણ લેવડાવી તેથી સાવ હાથ પર હાથ મૂકીને બેસી નથી રહી એ વાત સાવ સાચી છે પણ આ તપાસ ને ધરપકડો છોકરાંને ફોસલાવવાથી વધારે કંઈ નથી. મોદીએ પેપર લીકને ઘોર પાપ ગણાવ્યું પણ આપણે ત્યાં તો છાસવારે પેપરો ફૂટે છે ત્યારે આ ઘોર પાપ વારંવાર કેમ થાય છે એ મુદ્દે પણ માંડીને વાત ના કરી. 

મોદી સરકારે સીબીઆઈને તપાસ સોંપી પછી 13 લોકોની ધરપકડ કરાઈ પણ એ બધા સાવ નાના લોકો છે. નીટ લેવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની છે પણ સરકારે એનટીએને કશું કર્યું નથી. એનટીએ પાસે પોતાનું કોઈ તંત્ર નથી તેથી પેપરો છાપવા, પેપરો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા અને પરીક્ષા પત્યા પછી ઉત્તરવહીઓ લઈ જવી. પરીક્ષા કેન્દ્રોનું સંચાલન, બાયોમેટ્રિક વેરીફિકેશન અને ઉત્તરવહીની ચકાસણી સુધીનું બધું કોન્ટ્રાક્ટથી કરાવે છે. આ બધા કોન્ટ્રાક્ટ કોને અપાતા હશે એ કહેવાની જરૂર નથી.  તેની સામે વાંધો ના લઈએ પણ કમ સે કમ આ કામો કોઈ પણ ભ્રષ્ટાચાર વિના તો થવા જોઈએ કે નહીં ? કમનસીબે એવું થતું નથી. 

મોદી સરકારે એનટીએ 2017માં સ્થાપી પછી દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ) અને એન્જીનિયરિંગ કોર્સીસ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઇઇ) એનટીએ લે છે. એનટીએને 10 વર્ષ પણ નથી થયા છતાં નીટ અને જેઈઈ બંનેમાં 10થી વધારે તો મોટાં કૌભાંડ થઈ ગયાં છે. 2020માં આસામમાં જેઈઈના ટોપરના બદલે બીજા કોઈએ પરીક્ષા આપી હોવાનું ભોપાળું બહાર આવ્યું ત્યારથી આ સિલસિલો શરૂ થયો ને નીટ-જેઈઈ બંનેમાં દર વરસે કોઈ ને કોઈ કૌભાંડ બહાર આવે જ છે.

કોઈ વાર ટેકનિકલ ગ્લિચ આવી જાય છે તો કોઈ વાર સાવ ખોટા માર્ક્સ આપી દેવાય છે. 2024 અને 2026 એમ બે વાર તો નીટનાં પેપર ફૂટી ગયાં. વિદ્યાર્થીના બદલે બીજા કોઈએ પરીક્ષા આપી હોય એવું તો છાસવારે બને છે. આ બધી ગરબડોના કારણે આશાસ્પદ વિદ્યાર્થીઓ આપઘાત કરીને જીવન ટૂંકાવી દે એવી કેટલીય ઘટનાઓ દર વરસે બને છે. આવો શરમજનક રેકોર્ડ ધરાવતી એજન્સીનો સંકેલો કરી લેવો જોઈએ પણ તેના બદલે મોદી સરકાર એનટીએને કશું કરતી નથી કે એનટીએની પરીક્ષાના કોન્ટ્રાક્ટ જેમને અપાયા છે એ કંપનીઓને પણ કશું કરતી નથી. ઊલટાનું સરકાર એનટીએનો આંધળો બચાવ કરે છે. 

આ વરસે જ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ)માં ગેરરીતિ થઈ હોવાનું પહેલી વાર બહાર આવ્યું ત્યારે મોદી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ક્લીન ચીટ જ આપી દીધેલી. પ્રધાને તો છાતી ઠોકીને કહેલું કે, નીટનું પેપર ફૂટ્યું જ નથી ને એનટીએ સાવ દૂધે ધોયેલી છે. 

નીટનું પેપર ફૂટી ગયું હોવાનું પુરાવા સાથે સાબિત થયું પછી ધર્મેન્દ્ર પ્રધાને 48 કલાકમાં જ થૂંકેલું ચાટવું પડેલું.  પ્રધાને આબરૂ બચાવવા માટે મૂંડી નીચી કરીને સ્વીકાર્યું કે, એનટીએને ક્લીન ચીટ આપવામાં ઉતાવળ થઈ ગઈ હતી. આ કબૂલાત પછી પણ એનટીએને તો કંઈ થયું જ નથી. બલ્કે એનટીએ તો આવતા વરસે નીટ ઓનલાઈન લેવામાં આવશે તેથી જરાય ગરબડ નહીં થાય એવા ફાંકા મારવામાં પડી છે. 

મોદી સાહેબ પેપર લીકને ઘોર પાપ ગણાવે છે પણ તેનાથી પણ ઘોર પાપ તો પેપર લીકના પાપ માટે જવાબદાર એનટીએને છાવરવાનું છે. ધર્મેન્દ્ર પ્રધાને એ પાપ કર્યું છે છતાં હજુ ખુરશી પર ચીટકી રહ્યા છે તેનાથી મોટું પાપ બીજું ક્યું કહેવાય ? નીટ પેપર લીકના કારણે પંદરેક આશાસ્પદ છોકરાંએ આપઘાત કરી લીધો છતાં પ્રધાનને બચાવાઈ રહ્યા છે તેનાથી મોટું પાપ બીજું શું હોય ?  ધર્મેન્દ્ર પ્રધાનમાં શરમનો છાંટો પણ હોય તો તેમણે પેપર લીકના ભવાડાની નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ પણ એ ખસવા તૈયાર નથી તો મોદીએ તેમને દૂર કરવા જોઈએ પણ મોદી ધર્મેન્દ્ર પ્રધાનને કેમ બચાવી રહ્યા છે ? 

મોદી સરકાર પાસે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ના રૂપમાં એનટીએનો સબળ વિકલ્પ પણ છે. યુપીએસસી સિવિલ સર્વિસીસ સહિતની પરીક્ષાઓ વરસોથી લે છે પણ કદી પેપર લીક થતું નથી કે કોઈ ગરબડ થતી નથી. સમયસર પરીક્ષા લેવાઈ જાય છે અને સમયસર પરિણામ પણ આવી જાય છે. મોદી સરકાર આવો ટ્રેક રેકોર્ડ ધરાવતી સરકારી એજન્સીના બદલે 9 વર્ષમાં 10 વાર ખરડાયેલી એનટીએને કેમ ચલાવે છે તેની સમજણ બધાંને પડે છે ને આ ઘોર પાપ છે. 

મોદી ખરેખર પેપર લીકને ઘોર પાપ માનતા હોય તો આખું વરસ મહેનત કરનારા વિદ્યાર્થીઓના માનસ પર પેપર ફૂટવાથી થતી ખરાબ અસરો વિશે વિચારીને ભવિષ્યમાં કોઈ પેપર ના ફૂટે ને એકદમ પ્રમાણિકતાથી પરીક્ષા લેવાય એ માટેનો પાકો બંદોબસ્ત કરવો જોઈએ. એ માટેની શરૂઆત પ્રધાનનું રાજીનામું  અને એનટીએનો સંકેલો કરીને કરવી જોઈએ. એનટીએ સક્ષમ નથી એ વાત એક દાયકામાં સાબિત થઈ ગઈ એ જોતાં હવે એનટીએ ગમે તે કરે પણ વિદ્યાર્થીઓને તેના પર ભરોસો નહીં બેસે. 

નીટ સહિતની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો ભરોસો બેસે એ માટે આકરાં પગલાં જરૂરી છે, ખોટા સધિયારા કે વાતોનાં વડાં નહીં. આ સવાલ દેશના ભવિષ્યનો છે, દેશના યુવા ધનનો છે ત્યારે મોદીએ બધું છોડીને દેશના વડા પ્રધાન તરીકે વર્તવાની જરૂર છે. ભાજપ પાસે ઘણા સારા નેતા છે તેથી ધર્મેન્દ્ર પ્રધાનને રવાના કરાશે તો કશું ખાટુંમોળું થવાનું નથી પણ મોદી દેશના યુવાઓના હિતમાં ચાબૂક ચલાવી શકે છે એ વાત સાબિત થશે ને લોકોમાં મોદી પર ભરોસો વધશે.