Thu Aug 20 2026

Logo

લોકાર્પણના 2 વર્ષ બાદ પણ 'રાજકોટ એઈમ્સ'માં અડધાથી વધુ ફેકલ્ટીની જગ્યાઓ ખાલી!

2026-03-24 15:27:00
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ની સ્થાપના કરવામાં આવી હતી.  રાજકોટ-જામનગર હાઈવે પર પરાપીપળિયા ગામ ખાતે આશરે 1200 કરોડના ખર્ચે અને 400 એકર જમીનમાં નિર્માણ પામી રહી છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. જો કે 2019માં મંજૂરી મળ્યા બાદ અને 2024માં લોકાર્પણના આજે છ વર્ષ બાદ પણ અનેક જગ્યાઓ ખાલી પડી હોવાનું ખૂલ્યું હતું. 

રાજ્યસભામાં દેશભરની  એઈમ્સમાં મંજૂર મહેકમની સામે ખાલી પડેલી જગ્યાઓ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, એઈમ્સ દિલ્હીમાં સૌથી વધુ 1306 મંજૂર મહેકમ છે, જેમાંથી 446 જગ્યાઓ હજુ પણ ખાલી છે. તેવી જ રીતે ગુજરાતમાં આવેલી એઈમ્સ રાજકોટમાં પણ કુલ 183 મંજૂર પદોમાંથી માત્ર 78 ભરાયેલા છે અને 105 પદો ખાલી છે. દક્ષિણ ભારતમાં એઈમ્સ મદુરાઈમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે જ્યાં 183 માંથી માત્ર 70 પદો પર જ નિમણૂક થયેલી છે. આ ખાલી જગ્યાઓને કારણે તબીબી સેવા અને શિક્ષણ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાઓ અંગે પણ સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)નાં છઠ્ઠા તબક્કા અંતર્ગત જાન્યુઆરી, 2019માં રૂ. 1195 કરોડનાં મંજૂર ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે મેસર્સ એચએસસીસી (ઇન્ડિયા) લિમિટેડની જૂન, 2019માં આ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી. 31 ડિસેમ્બર, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિલારોપણ કરવામાં આવ્યું હતું. 

એઈમ્સ, રાજકોટ 750 પથારીની હોસ્પિટલ છે જેમાં ઇમરજન્સી અને ટ્રોમા માટે 30 પથારીઓ, આઇસીયુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી બેડ, એમબીબીએસની 50 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, છાત્રાલયો અને રહેણાંક ક્વાર્ટર્સ સામેલ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, રાજકોટની સ્થાપના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2012 મારફતે સ્વાયત્ત સંસ્થા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે કરવામાં આવી હતી.

રાજકોટ એઈમ્સ ખાતે 21 વિભાગો કાર્યરત છે. જેમાં જનરલ મેડિસિન, ઓપ્થેલ્મોલોજી, ઇએનટી, ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, પેડિયાટ્રિક્સ, એનેસ્થેસિયોલોજી, રેડિયોલોજી, સર્જરી, સાઇકિયાટ્રી અને પલ્મોનરી મેડિસિન, એનાટોમી, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, ફાર્માકોલોજી, ફિઝિયોલોજી, ડેન્ટિસ્ટ્રી વગેરેનો સમાવેશ થાય છે.