Sat Sep 12 2026

Logo

મહેસાણામાં ટેક્સ ચોરી કરવા બસની નંબર પ્લેટ જ બદલી નાખી માલિકે, પણ RTOએ ખેલ પાડ્યો...

2026-03-03 17:36:00
Author: Devayat Khatana
મહેસાણામાં ટેક્સ ચોરી કરવા બસની નંબર પ્લેટ જ બદલી નાખી માલિકે, પણ RTOએ ખેલ પાડ્યો...

મહેસાણાઃ સામાન્ય રીતે ટોલનાકા પર ટોલ ટેક્સ નહિ ભરવા માટે મોટી ઓળખાણ સહિતના પેંતરા કરવાને બદલે મહેસાણામાં ગઠિયાએ એક અનોખો જ કીમિયો અપનાવ્યો હતો. મહેસાણાના મેવડ ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન RTO અધિકારીઓએ એક પીળા કલરની લક્ઝરી બસને ઝડપી પાડી હતી,જેમાં સરકારી ટેક્સ બચાવવા માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. 

આ મામલે મહેસાણા RTO કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષક હિતેષ  ગુરૂનાણીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બસના માલિક અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી  હતી. પોલીસ દ્વારા આ મામલે બી.એન.એસ. (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, ગત ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ મેવડ ટોલનાકા પાસે ચેકિંગ દરમિયાન રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન બસ ચાલક અયુબખાન મુબારકખાને ટેક્સની વિગતો રજૂ કરી ન હતી, જેથી અધિકારીઓએ મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરી આ બસને ડિટેઈન કરી હતી. ઓનલાઈન ઈ-ચલણ મારફતે બસને મેમો આપી RTO કચેરી ખાતે જમા લેવામાં આવી હતી.

ત્યારબાદ, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજસ્થાનના ભીનમાલ DTO કચેરી તરફથી મળેલા એક ઈમેલ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઈમેલમાં જણાવાયું હતું કે આ લક્ઝરી બસનો અસલી નંબર RJ-46-PA-1527 છે અને તેના માલિકે લાંબા સમયથી રાજસ્થાનનો RTO ટેક્સ ભર્યો નથી. બસના ચેસીસ નંબરની ચકાસણી કરતા સ્પષ્ટ થયું હતું કે બસના માલિકે પકડાઈ જવાની બીકે અને ટેક્સ ચોરી કરવાના ઈરાદે જાણીજોઈને ખોટી નંબર પ્લેટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.

આ આર્થિક છેતરપિંડી અને સરકારી ટેક્સની ચોરી બદલ ઉચ્ચ અધિકારીઓના આદેશથી ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ અને બસ માલિકે કેટલા સમયથી આ રીતે સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.