Wed Jun 17 2026

Logo

મૂળ ઈરાનની અભિનેત્રીએ ખામેનેઈની હત્યા અંગે આનંદ વ્યક્ત કર્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ...

tehran   2026-03-01 20:27:21
Author: Mumbai Samachar Team
Article Image

AP/Vahid Salemi


ઈરાનના સર્વોચ્ચ નેતા અને શિયા મુસ્લિમોના રાહબર ગણાતા આયાતુલ્લાહ ખામેનીના નિધન પછી વિશ્વભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. રૂઢિચુસ્ત મુસ્લિમો જ્યાં તેમના મૃત્યુનો શોક માનવી રહ્યા છે ત્યાં ઉદારમતવાદીઓ તેમના મૃત્યુથી હાશકારો અનુભવી રહ્યા છે.  

ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હાલમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. 28 ફેબ્રુઆરી, શનિવારના અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો. જવાબમાં, ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા અનેક અમેરિકી હવાઈ મથકોને નિશાન બનાવ્યા. અમેરિકા અને ઇઝરાયલી મિસાઇલ હુમલામાં ઈરાનના નેતા ખામેનેઈનું પણ મોત થયું હતું. ઈરાને આ વાતની પુષ્ટિ કરી છે.  સમગ્ર દેશમાં રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.

'સેક્રેડ ગેમ્સ', 'અભય', 'સ્ટ્રેટેજી: બાલાકોટ એન્ડ બિયોન્ડ' અને 'તેહરાન' જેવી વેબ સિરીઝમાં જોવા મળેલી ઈરાની અભિનેત્રી એલનાઝ નોરોઝીએ પણ ઈરાન અને યુએસ-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પર આનંદ વ્યક્ત કર્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

એલનાઝ નોરોઝીએ ઈરાનની સ્વતંત્રતાની ઉજવણી કરતા કહ્યું કે તેઓ અને બધા ઈરાનીઓ 47 વર્ષથી તેની રાહ જોઈ રહ્યા હતા. એલનાઝ નોરોઝીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં અભિનેત્રી કહે છે કે જો આ યુદ્ધમાં કોઈ પણ નાગરિકનું મોત થાય છે, તો ઈરાની સરકાર સંપૂર્ણપણે જવાબદાર રહેશે, કારણ કે તે 47 વર્ષથી લોકો પર જુલમ કરી રહી છે.

તેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાલી રહેલા યુદ્ધના કેટલાક વીડિયો શેર કર્યા. ખામેનેઈના મૃત્યુ વિશેનો એક સમાચાર અહેવાલ શેર કરતા તેને "આભાર" કેપ્શન આપ્યું. એલનાઝે બીજો એક વીડિયો શેર કર્યો, જેમાં કેપ્શન આપ્યું, "અમે આ સમાચાર પર બિલકુલ વિશ્વાસ કરી શકતા નથી. અમે 47 વર્ષથી આની રાહ જોઈ રહ્યા છીએ. ખામેનેઈ મૃત્યુ પામ્યા છે. ભગવાન મહાન છે.' એલનાઝ નોરોઝીએ હસતું ઇમોજી ઉમેર્યું.

ફક્ત એલનાઝ નોરોઝી જ નહીં, પરંતુ ઈરાનમાં ઘણી મહિલાઓ ખામેનીના મૃત્યુની ઉજવણી કરતી જોવા મળી હતી. ઈરાની નાગરિકો અને મહિલાઓના આનંદ વ્યક્ત કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. એલનાઝ નોરોઝીએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આનો એક વીડિયો શેર કર્યા છે. 

શેર કરેલા વીડિયોમાં એલનાઝે કહ્યું ઘણા લોકો મને સંદેશા મોકલી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈરાનમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. હું એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું જે દરેકને જાણવી જોઈએ, કારણ કે તમારામાંથી મોટા ભાગના લોકો ખરેખર જાણતા નથી કે ઈરાનમાં શું ચાલી રહ્યું છે. તમને ખબર નથી, અને પછી જ્યારે તમે તેના પર ટિપ્પણી કરો છો, ત્યારે સમસ્યા ઉભી થાય છે.

એ વાત જાણીતી છે કે એલનાઝ નોરોઝીએ હંમેશા નિર્ભયતાથી ઈરાનની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો છે અને હિંમતભેર પોતાના વિચારો વ્યક્ત કરતી જોવા મળી છે. એલનાઝ 8 વર્ષની હતી ત્યારે ઈરાનથી ભાગી જર્મની ગઈ હતી. શરૂઆતમાં તેણે તેના દિવસો શરણાર્થી શિબિરમાં વિતાવ્યા, જ્યાં લાઇનમાં ઉભી રહીને ખાવા માટે ફક્ત એક ઈંડું અને એક બટેટું જ મળતા.

એલનાઝ નોરોઝીએ સાયરસ ભરૂચા સાથેની એક મુલાકાતમાં આ વિશે વાત કરી હતી. એલનાઝે કહ્યું કે તેણે 14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિવાર શ્રીમંત નહોતો અને જ્યારે તેઓ ઈરાનથી જર્મની ભાગી ગયા, ત્યારે તેમને એક નાના રૂમમાં રહેવું પડ્યું. એલનાઝે કહ્યું છે કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માતાપિતાને ભોંયરામાં રહેવું પડ્યું હતું.

એલનાઝ નોરોઝીની અભિનય કારકિર્દીની વાત કરીએ તો, તેને બાળપણથી જ અભિનયનો શોખ હતો. જોકે, તેણે પહેલા પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું, જર્મન સહિત સાત ભાષાઓ શીખી અને પછી પાકિસ્તાની ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી. એલનાઝ અન્ય ફિલ્મો અને શોમાં જોવા મળી છે, પરંતુ તેની લોકપ્રિયતા વેબ સિરીઝ "સેક્રેડ ગેમ્સ"થી મળી. ત્યાર બાદ તે ઘણી હિન્દી વેબ સિરીઝ અને બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે.