અમદાવાદઃ ગુજરાતમાં AAPના ઉમેદવારે પોતાના પર ફાયરિંગની ખોટી ફરિયાદ કરી હતી. જોકે તપાસ દરમિયાન પોલ ખૂલતાં જેલભેગો કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જાણીતા એડવોકેટ અજય બાંભણીયા પર 23 એપ્રિલે રાત્રે 10 વાગ્યે કથિત ફાયરિંગની ઘટના બની હતી. જો કે પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ ફાયરિંગની ઘટના નકારી હતી અને રાત્રે જ FLS બોલાવી હતી. FSL તપાસમાં અજય બાંભણીયાના પોતાના પર ફાયરિંગના નાટકનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે શું કહ્યું
FSL સહિતના તપાસકર્તાઓએ પુષ્ટિ કરી કે આવી કોઈ ફાયરિંગની ઘટના બની જ નથી, ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અજય બાંભણિયાની ધરપકડ પોલીસને ખોટી માહિતી આપવા બદલ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે ગુરુવારે રાત્રે જ્યારે તેઓ પોતાની કારમાં ઉના તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વાહનના વિન્ડશીલ્ડમાં એક કાણું જોવા મળ્યું હતું.
એસપીએ જણાવ્યું હતું કે, ઉના નગરપાલિકાની ચૂંટણી માટે AAPના ઉમેદવાર બાંભણિયા ગુરુવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ કરી હતી કે બે અજ્ઞાત વ્યક્તિઓએ તેમના પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓએ તેમને ગભરાયેલી હાલતમાં જોઈ પ્રાથમિક સારવાર માટે મોકલ્યા હતા. ખરેખર ફાયરિંગ થયું હતું કે કેમ તેની ચકાસણી કરવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી અને FSLની ટીમને પણ સામેલ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, કાચમાં જોવા મળેલું કાણું ગોળીને કારણે હોઈ શકે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
એસપી જાડેજાએ કહ્યું હતું કે, વિવિધ માપદંડો પર તપાસ કર્યા પછી, FSL રિપોર્ટમાં તારણ આવ્યું છે કે આવી કોઈ ફાયરિંગની ઘટના બની નથી. ઘટનાઓનો આખો ક્રમ ઉપજાવી કાઢવામાં આવ્યો હોય તેવું જણાયું હતું. તેણે કોઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. બાંભણિયા જ્યારે પોતાની કાર ચલાવીને પોલીસ સ્ટેશન આવ્યા અને કાર પાર્ક કરીને બહાર નીકળ્યા, ત્યારે તેમના કપડામાંથી એક ગોળી નીચે પડી હતી. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એસપીએ જણાવ્યું કે, તે જીવતી ગોળીને બાદમાં તપાસ માટે FSLમાં મોકલવામાં આવી હતી.
જાડેજાએ ઉમેર્યું હતું કે, FSL એ વિન્ડશીલ્ડમાં પડેલા કાણાના વ્યાસની પણ માપણી કરી હતી અને જાણવા મળ્યું હતું કે તે ગોળીના વ્યાસ સાથે મેળ ખાતું નથી, જેનાથી શંકા ઉભી થઈ હતી. સામાન્ય રીતે, જ્યારે ગોળી ચલાવવામાં આવે છે, ત્યારે ગનપાઉડરના અવશેષો હાજર હોય છે, પરંતુ ગોળી અથવા વિન્ડશીલ્ડ પર આવું કંઈ મળ્યું નથી. આ ઉપરાંત, વાહનની અંદર ગોળીના કોઈ ટુકડા પણ મળ્યા નહોતા
તેમણે જણાવ્યું કે, આ તમામ તથ્યો એક મોટા કાવતરા તરફ નિર્દેશ કરે છે અને સમગ્ર ઘટના અંગે ગંભીર શંકાઓ ઊભી કરે છે. મોડી રાત સુધી ચાલેલી સઘન તપાસ બાદ FSL અને પોલીસ ટીમોએ નિષ્કર્ષ કાઢ્યો કે ખરેખર કોઈ ફાયરિંગની ઘટના બની જ નથી. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.