Sun May 24 2026

Logo

હવામાન વિભાગની નવી આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, જાણો હજુ કેટલો સમય વેઠવો પડશે આકરો તાપ?

2026-05-24 18:44:28
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના શહેરો આ વર્ષના ઉનાળામાં અગનભઠ્ઠી સમાન બની ગયા છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય એવો માહોલ છે. સવારે 11 વાગ્યા બાદ ઘરમાંથી બાહર નીકળતા પહેલા વિચાર કરવો પડે એવી સ્થિતિ આ વર્ષના ઉનાળામાં જોવા મળી છે. હવામાન ખાતાના વિજ્ઞાનીઓનું માનીએ તો આ વર્ષે અલનીનો એક્ટિવ છે, જેની નકારાત્મક અસર આ વર્ષના ચોમાસા પર પડી શકે છે. આનો અર્થ એ થયો કે, ડ્રાય સ્પેલનો તબક્કો આ વર્ષે લાંબા સમય સુધી જોવા મળશે. 

વરસાદ ઓછો થવાના અણસાર
દેશના કરોડો લોકો દૈનિક ધોરણે આકરા તાપનો સામનો કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે બંગાળની ખાડી અને અરબ સાગરના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે માવઠું પડી રહ્યું છે અને તોફાન પણ જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાનું એવું કહેવું છે કે, અલનીનોને કારણે આ વર્ષે વધારે પડતી ગરમી પડી રહી છે અને વરસાદ ઓછો થવાની પૂરી સંભાવનાઓ છે. હવામાન ખાતાએ કરેલી આગાહીની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. ઓછો વરસાદ પડવાની વાતથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  આવતા વર્ષે અલનીનોનું જોર ઓછું થશે અને લા નીના મજબૂત થશે. આ કારણે સામાન્ય કે તેથી વધારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. 

એક વર્ષ બાદ આવશે મોટા ફેરફાર
પેસિફિક મહાસાગરમાં ઝડપથી વિકસિત થઈ રહેલ અલ નીનો ભલે વૈશ્વિક મૌસમ શૈલી માટે ચિંતા વધારે પણ હવામાન નિષ્ણાંતો માને છે કે, આની અસર એકવર્ષ બાદ ભારતમાં જોવા મળશે. ખાસ કરીને ચોમાસા પર આની સારી અસર થશે. આ અસર માત્ર ચોમાસા પૂરતી જ સીમિત રહેશે. શક્તિશાળી અલનીનો આ વર્ષના અંત અથવા શિયાળું સીઝન દરમિયાન ચરમસીમાએ પહોંચશે. એ પછીના દિવસોમાં તે ધીમે ધીમે નબળું પડશે.આવતા વર્ષે જૂન મહિના સુધીમાં એનું જોર ઘટી જશે અને સારો વરસાદ પણ પડી શકે. આનાથી કૃષિ આધારિત સમગ્ર વ્યવસ્થા અને પાણીના પ્રશ્નને લઈને મોટી રાહત મળી શકે છે. પણ આ વર્ષે આકરા તાપ બાદ ચોમાસું સામાન્ય રહેવાના એંધાણ છે. ચોમાસું શરૂ થયા બાદ સર્વત્ર ઠંડક પ્રસરી જશે અને માહોલ ફરી ખુશનુમા બની જશે. સામાન્ય રીતે પશ્ચિમના રાજ્યોમાં કેરળનું ચોમાસું આગળ વધે એમ વરસાદી સીઝન બંધાય છે. આ વખતે નૌતપા સીઝન પૂરી થયા બાદ વાતાવરણમાં પલટો જોવા મળે એવી પૂરી શક્યતાઓ છે. 

પૂર્વી રાજ્યોમાં મેઘાવી માહોલ
નવી દિલ્હીના વેધર રિપોર્ટ અનુસાર, આ વખતે ચોમાસું સામાન્ય વેગ કરતા વધારે વેગથી આગળ વધી રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારત અને રાજધાની દિલ્હીમાં રવિવારથી આગામી ચાર દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આ વાતાવરણના ફેરફારમાં ચોમાસું સીઝનનો સત્તાવાર પ્રારંભ થશે, પરંતુ વાતાવરણમાં બફારો, ભેજ કે તાપનું પ્રમાણ યથાવત રહ્યું તો ગરમી ભુક્કા બોલાવી દેશે. પ્રી મોનસૂન એક્ટિવિટી સામે ટક્કર થતા ગરમી વધારે સમય સુધી સહન કરવી પડશે. પૂર્વોત્તરના રાજ્યમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. અરૂણાચલ પ્રદેશ અને ઈસ્ટર્ન સ્ટેટમાં વાતાવરણ મેઘાવી જોવા મળી રહ્યું છે. આ વખતે પૂર્વી રાજ્યોમાં વાતાવરણની ખાસ કરીને ચોમાસાની અસર ઝડપથી જોવા મળે એવા એંધાણ છે, જ્યારે ઉત્તર ભારત અને રાજધાની દિલ્હીની વાત કરીએ તો આ વિસ્તારમાં હજું બેથી ત્રણ અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે.