Mon Sep 07 2026

Logo

પૂર્વ કચ્છ પોલીસે એક વર્ષમાં આટલા કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવી, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

2026-03-16 11:45:00
Author: Mumbai Samachar Team
પૂર્વ કચ્છ પોલીસે એક વર્ષમાં આટલા કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવી, આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે

ભુજઃ રાજ્ય સરકાર દ્વારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ આદરેલી ઝુંબેશના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરી છે. ૧૦૦ કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવાના આદેશ બાદ, પોલીસે અત્યાર સુધીમાં ૫૧૫ એકર જેટલી કિંમતી જમીન પરથી ૧૪૨ બિનઅધિકૃત દબાણો દૂર કરી અંદાજે રૂ.૭૨૨ કરોડની મિલકત ખાલી કરાવી છે.પોલીસની આ કડક કાર્યવાહી અંતર્ગત અંજાર ખાતે નગરપાલિકાની સરકારી જમીન પર રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિશેષ વાત એ છે કે, આ ખાલી કરાવેલી જમીન પર વહીવટી મંજૂરી મેળવીને નવી પોલીસચોકીનું નિર્માણ પણ કરી દેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ફરીથી દબાણ ન થાય અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.

માત્ર જમીન જ નહીં, પરંતુ અસામાજિક તત્ત્વોના આર્થિક અને માળખાગત સ્ત્રોત તોડવા માટે પણ પોલીસે કમર કસી છે. વીજ કંપની સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના ૪૨૧ બિનઅધિકૃત વીજજોડાણો કાપી નાખવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા શરીર સંબંધી ગુના, ખંડણી, ખનિજચોરી અને દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ કરી જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોની યાદી ૧૦૦ કલાકમાં તૈયાર કરવા આદેશ અપાયો હતો. આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્ત્વોના બેંક વ્યવહારોની તપાસ કરી,પાસા અને તડીપાર જેવી અટકાયતી પગલાં લીધા તેમજ સરકારી જમીનો પરના ગેરકાયદે બાંધકામોને હટાવવા માટે કામગીરી કરી હતી.

હજુ પણ આ યાદીમાં બાકી રહેલા અમુક શખ્સો વિરુદ્ધ આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)