ભુજ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પાડવામાં આવેલા બે અલગ-અલગ દરોડામાં વિદેશી અને દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગાંધીધામમાંથી રૂપિયા 02.69 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જ્યારે પ્રાગપર પોલીસે વવાર નજીકથી રૂપિયા 01.44 લાખનો દેશી દારૂ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે પૂર્વ કચ્છ એલસીબીને બાતમી મળી હતી કે, મીઠીરોહર જીઆઈડીસીથી દિલીપ મીણાના વેરહાઉસ તરફ એક હ્યુન્ડાઇ I20 કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર સ્થિત નૂરી મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 70 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 2,69,560 આંકવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળેથી આરોપી કુલદીપસિંહ જયેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. તેની પાસેથી કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 7,74,560નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ દિલીપ મીણા, બંટી મીણા, દેવેન્દ્રસિંહ જાડેજા અને રાકેશભાઈને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ સાથે મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથક હેઠળના વવાર ગામને અડકીને આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલી બોલેરો જીપને અટકાવી તપાસ કરતા તેમાંથી 720 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 01,44,000 થાય છે. આ મામલે પોલીસે આરોપી સામરા ઉર્ફે મોહન પતરામલ ગઢવીને ઝડપી લીધો છે. પોલીસે દેશી દારૂ અને વાહન મળી કુલ રૂપિયા 08,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલા કાંડાગરાના દશરથસિંહ ઉર્ફે દસુભા જાડેજાને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)