Wed Aug 19 2026

Logo

પૂર્વ કચ્છ પોલીસનું ઓપરેશન ક્લીન, ભચાઉના ૩ કુખ્યાત બુટલેગરો સામે 'ગુજસીટોક' હેઠળ કરી કાર્યવાહી

2026-03-07 13:18:00
Author: Mumbai Samachar Team
Article Image

 

ભુજઃ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંગઠિત ગુનાખોરી ડામવા માટે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યું  કે આ આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં સંગઠિત ટોળકી બનાવીને આર્થિક ફાયદા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આ શખ્સો મોટા પાયે દારૂનો જથ્થો સંગ્રહ કરવા, તેની હેરફેર કરવા અને આયાત-નિકાસ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય હતા.

ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા વિરુદ્ધ ૧૪ ગુના, ભચાઉના બાપુનગરના ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા સામે ૧૨ ગુના તેમજ રામવાડી, ભચાઉના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ૧૨ જેટલા ગુના નોંધાયેલા છે.

પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા થતી કનડગતની ફરિયાદો વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે આ આકરું પગલું ભર્યું છે. સરહદી રેન્જ આઈ.જી. ભુજની વિશેષ મંજૂરી મેળવ્યા બાદ, પૂર્વ કચ્છ પોલીસે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુજસીટોક એક્ટ ૨૦૧૫ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પોલીસની આ ધાક બેસાડતી કાર્યવાહીથી પૂર્વ કચ્છના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)