Wed Apr 29 2026

Logo

જમ્મુ-કાશ્મીરના ડોડામાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં પણ ધરા ધ્રૂજી

2026-04-12 10:43:00
Author: Mumbaisamachar Team
Article Image

શ્રીનગર: આજે વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રામાં હતા, ત્યારે કુદરતે પોતાનો મિજાજ બદલ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) દ્વારા આ કુદરતી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. માત્ર ભારત જ નહીં, પરંતુ પડોશી દેશ મ્યાનમારમાં પણ ધરતી ધ્રૂજવાના સમાચાર સામે આવ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના ડોડામાં રવિવારે વહેલી સવારે 04:32 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 નોંધવામાં આવી હતી. આ આંચકા એટલા જોરદાર હતો કે અનેક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે, હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
 

ભારતની સાથે સાથે મ્યાનમારમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. NCS ના જણાવ્યા અનુસાર, મ્યાનમારમાં રવિવારે 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ જમીનથી માત્ર 140 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, ઓછી ઊંડાઈએ આવતા ભૂકંપ વધુ જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી આફ્ટરશોક્સ (ભૂકંપ પછીના આંચકા) આવવાની સંભાવના વધી જતી હોય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, જમીનની સપાટીની નજીક (ઓછી ઊંડાઈએ) ઉદ્ભવતા ભૂકંપ ઊંડા ભૂકંપ કરતા વધુ વિનાશક હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે ભૂકંપના તરંગોને સપાટી સુધી પહોંચવા માટે ઓછું અંતર કાપવું પડે છે. પરિણામે, જમીન પર થતું કંપન વધુ તીવ્ર અને શક્તિશાળી હોય છે, જે ઈમારતો અને માળખાગત સુવિધાઓને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ જ કારણ છે કે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.