Tue Jun 30 2026

Logo

શું E20 પેટ્રોલથી ખરેખર ગાડીના એન્જિનને નુકસાન થાય છે? સરકારનો સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો

2026-06-30 17:27:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના વિષય પર ભારતે પાંચ વર્ષ પહેલા જ પ્રાથમિક ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. હવે કેટલાક મુદ્દાઓ પર ઈથેનોલ પર પરીક્ષણ થઈ રહ્યું છે. તેલ કંપનીઓએ 1 એપ્રિલથી જ સમગ્ર દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલની સપ્લાય શરૂ કરી દીધી છે. આ સમગ્ર વિષય પર મંગળવારે (તા.30 જુન 2026) કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કોર્ટમાં સરકારે જણાવ્યું કે,હજુ પણ પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રિત કરવાનું કામ જે પરીક્ષણ અંતર્ગત હતું એ ચાલુ છે. 

હાઈકોર્ટના ક્યા આદેશનો ઉલ્લેખ?
આ સમગ્ર પ્રક્રિયાના પરિણામ આવતા વર્ષ સુધીમાં આવી જશે. પેટ્રોલ-ડીઝલના સતત અને સખત રીતે વધેલા ભાવ બાદ સરકારે કોર્ટમાં આ પ્રકારની વાત કરી છે. સરકાર તરફથી આ ટીપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે દેશમાં આ જ વિષય પર અનેકવાર રાજકીય ગપસપ પણ થયેલી છે. ચર્ચા એ પણ ચાલી રહી છે કે, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી જુની ગાડીઓને મોટું નુકસાન થઈ શકે છે. સરકારનું પ્લાનિંગ હાલમાં 2030નું છે.  આ સમયગાળા સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ 30 ટકા વધારવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તારીખ 23 જૂનના રોજ આપેલા આદેશમાં,હાઈકોર્ટે તેલ કંપનીઓ જેમ કે, BPCL, HPCL અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ને ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ડિસ્ટિલરી દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવા અને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટમાં સામસામે દલીલ
તેલ કંપની BPCL એ સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, હાઈકોર્ટનો આદેશ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવાના સરકારના વ્યાપક નીતિ ઉદ્દેશ્યને અસર કરી શકે છે. એટર્ની જનરલે જણાવ્યું હતું કે, "સરકાર 20 ટકા ઇથેનોલ મિશ્રણ લાગુ છે. અમે આવતા વર્ષ સુધીમાં પરિણામો જોઈશું." સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, BPCL એ આદેશ સામે કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેંચનો સંપર્ક કેમ ન કર્યો? એના જવાબમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે, ઈથેનોલ સપ્લાય કોન્ટ્રાક્ટ ઓક્ટોબર  2025 માં જ ફાઇનલ થઈ ગયા હતા. આવી જ અરજીઓ ઘણી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતી.સરકારે સ્પષ્ટ કર્યું કે, અમે એ પ્રયાસમાં છીએ કે જે લોકો એવું માની રહ્યા છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી વાહનો ડેમેજ થાય છે. આ વાતને ખતમ કરી હકીકત સમજાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ વાતનો કોઈ ઠોસ પુરાવો હજુ સુધી સામે આવ્યો નથી. આ પોલીસી દેશની ઊર્જા સુરક્ષા, ખેડૂતો અને પર્યાવરણ માટે ફાયદારૂપ સાબિત થશે. 

સરકારનું લક્ષ્યાંક શું છે?
એટર્ની જનરલ આર. વેંકટરામને ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન તરફથી દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતા આ વાત કહી હતી. જેમાં કર્ણાટક હાઈકોર્ટના એક આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યા હતા અને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો હતો. હકીકત એ પણ છે કે, સરકાર હવે 2030 સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના વિષય પર એક ચોક્કસ યોજના તૈયાર કરવાના મૂડમાં છે. આ સમગ્ર પ્રયોગના સકારાત્મક પરિણામ આવ્યા બાદ કોઈ મોટી યોજના તૈયાર થાય એવી પૂરી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં આ પ્રયોગના કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી એટલે માત્ર અગાઉના પરિણામની ચર્ચા કરવામાં આવી છે.