Thu Sep 10 2026

Logo

સુરતના કાપોદ્રામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 2નાં મોત, 9 ઘાયલ

2026-03-19 09:55:00
Author: Mayur Patel
સુરતના કાપોદ્રામાં એમ્બ્રોઈડરીના કારખાનામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 2નાં મોત, 9 ઘાયલ

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરમાં કારખાનાની અંદર રહેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. જેમાં 2 વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ફાયરની ટીમે જીવના જોખમે કુલ 11 વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાંથી 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે બાકીના 9 લોકોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગને કોલ મળતાં જ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના થઈ હતી. ટીમ પહોંચે તે પહેલા  ઈમારતમાં રહેતા એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 8 સિલિન્ડર મળી આવ્યા હતા. જેમાંથી બે સિલિન્ડકર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બાકીના 6 સિલિન્ડર સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. 

 હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. પાંચ માળની ઈમારતમાં નીચે દુકાનો અને ઉપર એક પરિવાર રહેતો હતો, જેમાં એક જ પરિવારના નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખું ઘર રાખમાં ફેરવાઈ ગયું હતું. કમનસીબે, આ ઘટનામાં ફસાયેલા એક જ પરિવારના 6 સભ્યોના મોત નિપજ્યા હતા.