Tue Sep 08 2026

Logo

પાકિસ્તાની ખજૂર વાયા દુબઈ ભારતમાં ઘુસાડવાનો કારસો ડીઆરઆઈએ નિષ્ફળ બનાવ્યો

2026-08-05 20:59:13
Author: Pooja Shah
પાકિસ્તાની ખજૂર વાયા દુબઈ ભારતમાં ઘુસાડવાનો કારસો ડીઆરઆઈએ નિષ્ફળ બનાવ્યો

કંડલા પોર્ટ પરથી સાડા ત્રણ કરોડનો જથ્થો પકડાયો
 
અમદાવાદઃ ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા પોર્ટ ઉપર આયાત થયેલા ખજૂરના 14 કન્ટેનરો અટકાવીને તપાસ શરૂ કરતાં અંદાજે રૂ. સાડા ત્રણ કરોડથી વધારેનો 364 ટન ખજૂરનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઈના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે આયાતકારે કસ્ટમ સમક્ષ મિસ ડિકલેરેશન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે કંડલા પોર્ટ ઉપર કન્ટેનરો આવતા તેને અટકાવી દેવામાં આવ્યા હતા.

તપાસ કરતા એવી માહિતી બહાર આવી હતી કે પાકિસ્તાનથી ઓરિજિનલ ખજૂર દુબઈ લઈ જવામાં આવી હતી અને ત્યાંથી કન્ટેનરો અને શિપમેન્ટ ચેન્જ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ઓછી કસ્ટમ ડ્યુટી ભરવી પડે. સામાન્ય રીતે પાકિસ્તાનથી ખજૂરની આયાત કરવામાં આવે તો ૨૦૦ ટકા કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે અને દુબઈથી આયાત કરવામાં આવે તો માત્ર ૧૦ ટકા ડ્યુટી ભરવી પડે છે. આમ 190 ટકા કસ્ટમ ડ્યુટી બચાવવા માટે આયાતકારે પાકિસ્તાનથી દુબઈમાં લઈ જઈને શિપમેન્ટ ચેન્જ કરીને ખજૂર ખરેખર દુબઈથી આયાત કરી હોવાનું બતાવ્યું હતું,

પરંતુ ડીઆરઆઈની ટીમને માહિતી મળી જતા કન્ટેનરો અટકાવી દેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે 2.5. 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડીને પાકિસ્તાનથી આવતી ખજૂરની ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ આયાત ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે. તેમ છતાં આયાતકારે કસ્ટમ ડ્યુટી બચાવવા માટે મિસ ડિકલેર કરીને કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ જ પ્રકારે દેશના અન્ય પોર્ટ ઉપર પણ ડ્રાયનટ એટલે કે ખજૂરની ખોટી રીતે આયાત કરવામાં આવી રહી છે.

ભારતમાં હવે ખજૂરની ડિમાન્ડ વધવાને કારણે દાણચોરી કરનારા સિન્ડિકેટના મેમ્બરો હવે પાકિસ્તાની ખજૂર ગુજરાતના પોર્ટ સહિત દેશના અનેક પોર્ટ ઉપર કોઈપણ પ્રકારે મિસ ડિકલેરેશન કરીને  ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં પ્રોફિટ માર્જિન કરોડો રૂપિયાનું છે અને કેન્દ્ર સરકારને કસ્ટમ ડ્યૂટી નહીં મળવાની કારણે કરોડો રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.