Fri Oct 02 2026

Logo

ગાંધીધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે રૂ.૨૮૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરશે

2026-09-08 12:18:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે રૂ.૨૮૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરશે

ભુજઃ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી રૂપિયા ૨૮૬ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરશે. ઇફકો ઓડિટોરિયમ ખાતે બપોરે ૩:૩૦ વાગ્યે યોજાનારા આ સમારોહમાં સાંજે ૫:૦૦ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ઓનલાઈન માધ્યમથી જોડાશે.

ખાતમુહૂર્ત થનારા મુખ્ય પ્રકલ્પોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડથી આદિપુર સુધી રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૦ કિલોમીટર લાંબા રિંગ રોડ, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડી વિસ્તાર માટે રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારી પીવાના પાણીની યોજના, રૂ.૨૨ કરોડના ખર્ચે મહાપાલિકાની નવી મુખ્ય કચેરી તેમજ રૂ.૨૦ કરોડના ખર્ચે શહેરના વિવિધ માર્ગોના નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ પૂર્વે પણ મુખ્યમંત્રી દ્વારા ગાંધીધામમાં રૂપિયા ૧૬૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઇફકો ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લાના અન્ય ધારાસભ્યો, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, મ્યુનિસિપલ કમિશનર બી.ડી.દવેરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ સહિતના વહીવટી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે

(ઉત્સવ વૈદ્ય)