Mon Jul 27 2026

Logo

કેટલી ટ્વિશા-દિશાનો લેવાશે ભોગ, દહેજમાં કેટલી દીકરીઓ બની શિકાર?

2026-05-20 20:16:19
Author: Mumbai Samachar Team
Article Image

Gemini Ai Generated Image


દેશમાં 84 મિનિટે એક મહિલા દહેજના કારણે મોતને ભેટે છે, જાણો?

નોઈડા/ભોપાલઃ ઉત્તર પ્રદેશના નોઈડામાં દીપિકા નાગરના મૃત્યુ બાદ ભોપાલમાં ટ્વિશા શર્માના મૃત્યુએ ફરી દહેજની કુપ્રથા પર ચર્ચા જન્માવી છે. ભારતમાં દહેજના કારણે દીકરીઓ અંતિમ પગલું ભરે એ કોઈ નવો કિસ્સો નથી. આ કુપ્રથાના કારણે આ પહેલા પણ ઘણી દીકરીઓએ અકાળે મોતને વ્હાલું કરી લીધુ છે. ક્યારેક ખુદને બાળી નાંખી તો ક્યારેક કાળજું કંપી જાય એવી રીતે મોતને સ્વીકાર્યું.

ડિજિટલની દુનિયા એઆઈ સુધી પહોંચી રહી છે અને અવકાશની દુનિયામાં ચંદ્ર સુધી પહોંચવાની વાત થઈ રહી છે પણ દેશમાં ઘણી એવી દીકરીઓ એવી છે જે ઘરના ખુણામાં આંસુ સારી રહી છે અને મોતને વહાલું કરે છે, પણ હમ કબ સુધરેંગેના ગંભીર સવાલો ઊભા કરે છે.

નોઈડાનો આંખ ઊઘાડનારો કિસ્સો

આવી દીકરીએ સરળતાથી પોતાના આંસુ છૂપાવી લે છે કારણ કે, કોઈ મોટો વિવાદ ન થાય, જીવ ન જોખમાય. માતા-પિતા અને ભાઈ-ભાઈ પર કોઈ આંચ ન આવે. ગત વર્ષે દહેજના કારણે થયેલા મૃત્યુએ ફરી એકવાર દરેકને વિચારવા માટે મજબૂર કરી દીધા છે.આખરે ક્યાં સુધી દીકરીઓ દહેજ જેવી કુપ્રથાના ભોગે પોતાના જીવનું બલિદાન આપતી રહેશે? નોઈડામાં દીપિકા નાગરના શંકાસ્પદ મૃત્યુ કેસ ખરા અર્થમાં ચોંકાવનારો છે.

આ કેસમાં પણ સાસુ પક્ષ પર દહેજનો આરોપ લાગ્યો હતો. એમના પરિવારજનોએ ફરિયાદ કરી હતી કે, લગ્ન કર્યા હોવા છતાં દહેજની સતત માગ કરવામાં આવી રહી હતી. માગ પૂરી ન થતા દીપિકા પર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 

મધ્ય પ્રદેશના ભોપાલનો કિસ્સો

આ કેસમાં પોલીસે સંબંધીત કલમ લાગુ કરીને કેસ ફાઈલ કર્યો હતો. ભોપાલમાં પણ આ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો, જેમાં ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત બાદ બે પક્ષ વચ્ચે વિવાદ થયો. ટ્વિશાના પતિ સમર્થસિંહ અને નિવૃત જજ ગીરીબાલાસિંહ પર શારીરિક અત્યાચાર તથા દહેજ માગવાનો આરોપ છે. પોલીસ ફરિયાદમાં પણ આ પ્રકારના ગૂનાનો ઉલ્લેખ છે.

ટ્વિશાના સાસુ પક્ષના પરિવારજનોનો આક્ષેપ છે કે, તેમણે આત્મહત્યા કરી લીધી છે. ટ્વિશાની વોટ્સએપ ચેટમાંથી ખુલાસો થયો છે કે, તેમણે પોતાના પરિવારને અનેકવાર સાસુ પક્ષના લોકો તથા પતિ અત્યાચાર કરતા હોવાની ફરિયાદ કરી હતી. બન્ને દીપિકા અને ટ્વિશા કેસમાં સામ્યતા એ છે કે, બન્નેના લગ્ન મૃત્યના ગણતરીના મહિનાઓ પહેલા જ થયા હતા. હત્યા કે આત્મહત્યા? આ કેસે સમગ્ર દેશવાસીઓને વિચારતા કરી દીધા છે. 

આ બન્ને કેસમાં સામાન્ય

બન્ને કેસમાં એક સામાન્ય વાત એ પણ સામે આવી રહી છે કે, માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા અને શારીરિત અત્યાચાર કરવામાં આવતો હતો. દહેજ સંબંધિત ફરિયાદ એ માત્ર કોઈ એક-બે પરિવારના કિસ્સા નથી પણ આધુનિક સમાજની ઓછી સમજ, દેખાડા, ઢોંગી અને ભયાનક ચહેરો છે, જે દીકરીના લગ્ન પછીના સપના પર એસિડ રેડે છે તો ક્યારેક એ જ એસિડ જેવી પીડાનો ભોગ દીકરી ખુદ કઠણમને સ્વીકારી લે છે. છતા દહેજપ્રેમીઓની લાલસા ઘટતી નથી અને સમજ મોટપ હોવા છતાં આવતી નથી.

સ્થિતિ એ માતા-પિતાની જોવા જેવી થાય છે જેણે આ દીકરીને ઘણા લાડકોડથી ઉછેરી હોય, ધામધૂમથી ગમતા પાત્ર સાથે લગ્ન કરાવ્યા હોય, આવા સમયે જ્યારે દીકરીનો મૃતદેહ નજર સામે આવ્યા ત્યારે માતા-પિતા પોતાને એક સવાલ કરે છે કે, ખરેખર અમારો વાંક શું હતો?

ચોંકાવનારા આંકડા

NCRB ક્રાઈમ ઈન્ડિયા 2024ના રિપોર્ટ અનુસાર આવા કેસમાં દિલ્હી સતત પાંચમી વખત દેશના અન્ય મહાનગરના કરતા સૌથી ઉપર છે. વર્ષ 2024માં દિલ્હીમાં 109 દહેજ હત્યાના કેસ નોંધાયેલા, જેમાંથી 111 મહિલાઓના જીવ ગયા, બેંગ્લુરૂમાં આવા કેસનું એપી સેન્ટર હોય એવી વાત છે. 1008 કેસમાંથી 878 કેસ માત્ર બેંગ્લુરૂ સિટીના હતા. 

સમગ્ર દેશમાં દહેજ સાથે જોડાયેલા 15489 કેસ થયેલા છે, જ્યારે 6156 મહિલાઓના મોત આવા કિસ્સાઓમાં થયેલા છે. અર્થાત દૈનિક ધોરણે 17થી 18 મહિલાઓ દહેજ ત્રાસને કારણે જીવ ગુમાવે છે. દેશમાં 84 મિનિટે એક મહિલા દહેજના કારણે મોતને ભેટે છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં 7151 કેસમાંથી 2122 મહિલાના મૃત્યુ થયા હતા, ત્યારબાદ બિહારમાં 3665 કેસમાંથી 1143 મહિલાઓના મૃત્યુ થયા. 83 હજારથી વધારે કેસમાં કોર્ટનો આદેશ થવાનો બાકી છે. હકીકત એ પણ છે કે, ન્યાય માટે દીકરીના પક્ષના લોકોએ કાયદાની લાંબી લડાઈમાંથી પસાર થવું જ પડે છે. 

સમાજ માટે વિચારવા જેવા કિસ્સા

આ તો ચોપડે નોંધાયેલા કેસની સંખ્યા છે. સમાજના દાયરા અને મર્યાદાના કારણે કેટલાક કેસ ચોપડા સુધી પહોંચતા જ નથી.પરિવારની લાજ અને પોતાની આબરૂના કારણે મહિલાઓ કેટલાક કિસ્સાઓની વાત કરવાનું ટાળે છે. ખાસ કરીને જ્યારે હાઈપ્રોફાઈલ કેસ હોય ત્યારે ઘણીવાર મામલો કાયદાકીય નિયમોમાં અટવાય એ પહેલા જ ઉકેલી દેવામાં આવે છે, જેમાં દીકરીવાળા પાસેથી કેટલીક ખોટી રકમ તો ક્યારેક દીકરી પાસેથી ખોટી માગ કરવામાં આવતી હોય છે. આવા કિસ્સાઓ બદલાતા સમાજ માટે આંખ ઊઘાડનારા છે, સુધરેલા યા આધુનિક સમાજ માટે દહેજ એક કલંક છે એ વાતમાં કોઈ શંકા નથી.