વોશિંગ્ટન ડી.સી.: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરુદ્ધ અપાયેલી ઉગ્ર અને અપશબ્દોથી ભરેલી ધમકીઓએ વોશિંગ્ટનમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ચેતવણી આપવા કથિત અત્યંત વાંધાજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો અને ધમકી આપી હતી કે જો તેમની શરતો નહીં માનવામાં આવે તો આખી સભ્યતાનો નાશ થઈ શકે છે. ટ્રમ્પના આ પ્રકારના વર્તન અને યુદ્ધ અપરાધ કરવાની ખુલ્લી ધમકીઓને પગલે ડેમોક્રેટ્સ અને વિરોધ પક્ષોએ તેમની માનસિક સ્થિરતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ વિવાદ વકરતા હવે અમેરિકી કોંગ્રેસના 20 થી વધુ ડેમોક્રેટ સભ્યોએ ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે ૨૫માં બંધારણીય સુધારા (25th Amendment) નો અમલ કરવાની માંગ કરી છે. મિશિગનના પ્રતિનિધિ રશીદા તલાઈબે ટ્રમ્પને નરસંહારની ધમકી આપનાર મનોરોગી ગણાવ્યા હતા, જ્યારે ઇલ્હાન ઓમરે તેમને અસ્થિર માનસિકતાવાળા કહીને સખત ટીકા કરી છે. આ આક્રોશમાં ટ્રમ્પના પૂર્વ સહયોગી માર્જોરી ટેલર ગ્રીન પણ જોડાયા છે, જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રમ્પ પાગલ થઈ ગયા છે.
ઈરાની મૂળના પ્રથમ અમેરિકી ડેમોક્રેટ સાંસદ યાતામિન અન્સારીએ આ સ્થિતિને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ ગણાવ્યું છે. તેમણે રિપબ્લિકન પક્ષના નેતાઓને પક્ષ પ્રત્યેની આંધળી વફાદારી છોડીને ટ્રમ્પ પર લગામ કસવા વિનંતી કરી છે. અન્સારીના મતે, જે રીતે ટ્રમ્પ નરસંહાર અને યુદ્ધ અપરાધોની વાત કરી રહ્યા છે, તે માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસ માટે એક ગંભીર ક્ષણ છે. જોકે, ટ્રમ્પના વફાદાર કેબિનેટ સભ્યો દ્વારા તેમને પદભ્રષ્ટ કરવાની શક્યતા હાલમાં ઘણી ઓછી જણાઈ રહી છે.
બીજી તરફ, રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના સભ્યોએ આ ગંભીર મુદ્દે મૌન ધારણ કરી લીધું છે, જેની વિશ્લેષકો આકરી ટીકા કરી રહ્યા છે. જે રીતે અગાઉ જો બાઈડેનની વધતી ઉંમર અને માનસિક ક્ષમતા પર સવાલો ઉઠાવાયા હતા, તે જ રીતે હવે ૭૯ વર્ષીય ટ્રમ્પની સ્વાસ્થ્ય સ્થિતિ પણ શંકાના દાયરામાં છે. જોકે, ટ્રમ્પના સમર્થકોનો દાવો છે કે તેઓ અત્યંત ઉર્જાવાન છે અને રાત-દિવસ કામ કરે છે. પરંતુ વિરોધ પક્ષોનું કહેવું છે કે ઈતિહાસ તે લોકોને ક્યારેય માફ નહીં કરે જેઓ એક અસ્થિર માનસિકતાવાળી વ્યક્તિને આખી સભ્યતા વિરુદ્ધ યુદ્ધ છેડવાની મંજૂરી આપી રહ્યા છે.