અમેરિકાના પ્રમુખે વર્લ્ડ કપના ઇતિહાસમાં 64 વર્ષનો વિક્રમ તોડાવ્યો
સીએટલ (અમેરિકા): ચાર મહિનાથી ઇરાન સાથેના યુદ્ધના મુદ્દે અનેક તબક્કે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ (Trump)ની મનમાની આખી દુનિયાએ જોઈ અને હવે તેમણે પોતાના દેશમાં રમાતા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં પણ એક નિર્ણય લેવડાવીને પોતાનું ધાર્યું કરાવડાવ્યું છે. અમેરિકાના ફૂટબોલર ફૉલારિન બલોગન (Balogan)ને જે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું એ ટ્રમ્પે પાછું ખેંચાવડાવ્યું છે.
આ વખતની ટૂર્નામેન્ટમાં અમેરિકા વતી બલોગને સૌથી વધુ ત્રણ ગોલ કર્યા છે. બુધવારે બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિના સામેની મૅચમાં બલોગને 45મી મિનિટના ગોલ સાથે અમેરિકાને 1-0થી સરસાઈ અપાવી હતી. જોકે પછીથી એક ફાઉલ બદલ બલોગનને રેફરીએ વીડિયો રિવ્યૂ જોયા બાદ રેડ કાર્ડ બતાવ્યું હતું. પરિણામે, અમેરિકાની ટીમ 11માંથી 10ની થઈ ગઈ હતી. જોકે મલીક ટિલ્મૅનના 82મી મિનિટના ગોલની મદદથી અમેરિકાએ છેવટે 2-0થી વિજય મેળવ્યો હતો.
AP
ફિફાના ચીફને ફોન કરીને પ્રતિબંધ પાછો ખેંચાવડાવ્યો
જોકે બલોગનનું ફાઉલ (મેદાન પરનો ગુનો) ગંભીર ન હોવા છતાં તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હોવાની અમેરિકાની ટીમની દલીલ હતી. રેડ કાર્ડ બતાવાતાં બલોગનને મંગળવારની બેલ્જિયમ સામેની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ (મંગળવારે પરોઢિયે 5.30)માંથી બાકાત કરવામાં આવ્યો હતો. જોકે એ.પી.ના એક અહેવાલ મુજબ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (ફિફા)ના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોને ફોન કરીને બલોગન પરનું રેડ કાર્ડ પાછું ખેંચાવી લેવા કહ્યું હતું અને એ પાછું ખેંચાયું છે જેને પગલે તેને બેલ્જિયમ સામેની મૅચમાં રમવાની છૂટ મળી હતી.
AP
અમેરિકાની ટીમને બસમાં જાણ થઈ
આ ફેરફારથી બેલ્જિયમની ટીમ તરફથી ટીકાનો વરસાદ થયો છે. એ ટીમ આ ફેરબદલ સામે અપીલ કરશે. કોઈ વર્લ્ડ કપમાં કોઈ ખેલાડીને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હોય, પણ એ કાર્ડ મળવા છતાં એ ખેલાડી પછીની મૅચમાંથી સસ્પેન્ડ ન થયો હોય એવું 1962ની સાલ પછી (64 વર્ષે) પહેલી વખત બન્યું છે. અમેરિકાની ટીમના ખેલાડીઓ રવિવારે પ્રૅક્ટિસ માટે તેમની હૉટેલથી રવાના થઈને વૉશિંગ્ટનના સૉકર સ્ટેડિયમ પર જઈ રહ્યા હતા ત્યારે બસમાં તેમને બલોગન પરનું સસ્પેન્શન પાછું ખેંચાયું હોવાની સોશ્યલ મીડિયા પર જાણ થઈ હતી. પછીથી અમેરિકાના સ્ટાર ખેલાડી ક્રિશ્ચિયન પુલિસિચે કહ્યું, `બોસ્નિયા સામેની મૅચનો વીડિયો જોશો તો જણાશે કે બલોગનનું ફાઉલ ગંભીર હતું જ નહીં. બોસ્નિયાના ખેલાડી સામે તેનો કોઈ ખોટો ઇરાદો હતો જ નહીં. આ ટૂર્નામેન્ટમાં આનાથી પણ ગંભીર ફાઉલ થયા છે, પણ એમાં કાર્ડ નહોતા બતાવવામાં આવ્યા.'