Tue Sep 15 2026

Logo

140થી વધુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમના નામે લોન લીધી: યુવકની ધરપકડ

2026-05-26 20:55:00
Author: Yogesh C. Patel
140થી વધુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમના નામે લોન લીધી: યુવકની ધરપકડ

સોશ્યલ મીડિયાથી યુવતીઓને ટાર્ગેટ કરી આરોપી લાખોની લોન લઈને ફરાર થઈ જતો

થાણે: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ પરથી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેમના નામે વિવિધ બૅન્કોમાંથી લોન મેળવીને ફરાર થઈ જનારા યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીએ અત્યાર સુધીમાં 140થી વધુ યુવતી-મહિલાને છેતરી હોઈ 11 મહિલા ફરિયાદ કરવા આગળ આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ડોમ્બિવલીના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ આદર્શ મ્હાત્રે તરીકે થઈ હતી. નવી મુંબઈ પાસેના પનવેલ પરિસરમાં રહેતો આદર્શ સોશ્યલ મીડિયા પર યુવતી-મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ કરતો હતો. પછી ધીમે ધીમે પ્રેમની વાતો કરીને તેમને છેતરતો હતો.

કહેવાય છે કે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી આરોપી લગ્નનું વચન આપતો હતો. લગ્ન અને ભવિષ્યનાં સપનાં દેખાડી યુવતીનો વિશ્ર્વાસ કેળવતો હતો. પછી કોઈ બહાનું કરીને યુવતીને નામે બૅન્કમાંથી લોન મેળવતો હતો. લોનની રકમ હાથમાં આવતાં જ આરોપી છૂ થઈ જતો હતો.પૂછપરછમાં પોલીસને આરોપીએ આ રીતે 140થી વધુ યુવતી-મહિલાને છેતરી હોવાની આંચકાજનક માહિતી જાણવા મળી હતી. તેણે યુવતીઓને નામે વિવિધ બૅન્કોમાંથી લાખો રૂપિયાની લોન લીધી હતી. આશ્ર્ચર્યજનક વાત એટલે છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીઓમાં મોટા ભાગની ઉચ્ચ શિક્ષિત હોઈ તે કોપોર્રેટ, બૅન્કિંગ, આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં ઊંચા હોદ્દા પર કાર્યરત છે.

આ જ પ્રકારના ગુનામાં અગાઉ નવી મુંબઈ પોલીસે આદર્શ મ્હાત્રેની ધરપકડ કરી હતી. તે સમયેના સોશ્યલ મીડિયા અહેવાલ પર નજર પડતાં ડોમ્બિવલીમાં રહેતી મહિલાએ માનપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં 11 મહિલા ફરિયાદ નોંધાવવા સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.