Tue Mar 10 2026

Logo

લોકોને મોબાઇલથી કેમ છુટકારો મેળવવો છે?

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

વિશેષ - પ્લસ -લોકમિત્ર ગૌતમ

સવારે આંખ ખૂલતાની સાથે મોબાઇલ. રાત્રે સૂતા સમયે આંખ મિંચાઇ નહીં ત્યાં સુધી મોબાઇલ. દિવસ દરમિયાન સેંકડો વખત વારંવાર સ્ક્રીન ચેક કરતા રહેવી. આ હવે કોઇની વિશેષ આદત નહીં, પરંતુ મોટાભાગના લોકોની જીવનશૈલી બની ગઇ છે. હવે મોબાઇલમાં નોટિફિકેશન જોવાનું યાદ રાખવું પડતું નથી. આ લોકોની એક આદત બની ગઇ છે, પરંતુ આ સમય દરમિયાન કંઇક બીજું રસપ્રદ અને વિરોધાભાસી પણ બની રહ્યું છે. એક ટ્રેન્ડ ખૂબ ઝડપથી ઊભરી રહ્યો છે- મોબાઇલથી પોતાને દૂર રાખવાનો. લોકો ટેક્નોલોજીનો ત્યાગ નથી કરી રહ્યા, પરંતુ નવી શરતો સાથે તેની સાથે સંબંધ સ્થાપિત કરી રહ્યા છે. કોઇ નોટિફિકેશન બંધ કરી રહ્યા છે તો કોઇ ફોનને ગ્રે સ્કેલ પર મૂકી રહ્યા છે. કોઇ ડમ્બ ફોન ખરીદી રહ્યા છે. તો વળી કેટલાક રવિવારે મોબાઇલ ફોનને કબાટમાં બંધ કરીને તેને તાળું મારી દે છે. મોબાઇલને લઇને તેની તરફેણમાં અને તેના વિરોધમાં એકથી એક ચડિયાતી આદતો વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. તો ચાલો આ બધા પાછળનું કારણ વિગતવાર જાણવાનો પ્રયાસ કરીએ.

આખરે લોકો પોતાનો ફોન છોડવા કેમ માગે છે?

તાજેતરનાં વર્ષોમાં એક સામાન્ય અનુભવ સામે આવ્યો છે કે મોબાઇલ લોકોનું ધ્યાન સરળતાથી વિચલિત કરી શકે છે. એ પણ અનુભવાયું છે કે સતત મોબાઇલનો ઉપયોગ કરવાથી અપૂર્ણતાની લાગણી વધે છે. મોબાઇલની લત લાગી જવાથી સમય ક્યાં વીતી જાય છે એનું ભાન રહેતું નથી. આ ઉપરાંત તાજેતરના વર્ષોમાં કેટલાક લોકો એક થાકથી પીડાઇ રહ્યા છે, જે નિષ્ણાતોના મતે મોબાઇલની દેન છે. આવાં જ અનેક કારણો છે જેને કારણે હવે લોકો મોબાઇલથી સંપૂર્ણ નહીં તો વચ્ચે-વચ્ચે ખાસ્સા સમય સુધી છુટકારો મેળવવા માગે છે. તેથી લોકો મોબાઇલથી દૂર રહેવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે.

1. નોટિફિકેશન મિનિમલિઝ્મ

ઘણા લોકો હવે ફક્ત કોલ્સ અને જરૂરી એપ્સના નોટિફિકેશન જ ચાલુ રાખે છે. લોકો વોટ્સએપ ગ્રુપ, સોશ્યલ મીડિયા લાઇક્સ અને ઇમેઇલ એલર્ટ બધું બંધ કરી રહ્યા છે. આથી ફોન હાથમાં લેવાની જરૂરિયાત આપમેળે ઓછી થઇ જાય છે. આ ઉપાય અજમાવનારા લોકો જણાવે છે કે પહેલા તેઓ 125 થી 150 વખત સુધી સ્ક્રીન અનલોક કરતા હતા, તે હવે નોટિફિકેશન મિનિમલિઝ્મ લાગુ કર્યા બાદ હવે આ સંખ્યા ઘટીને 40 થી 50 થઇ ગઇ છે.

2. ગ્રે સ્કેલ મોડ

આ મોડનો અર્થ છે કે ફોનની રંગીન દુનિયાને બ્લેક એન્ડ વ્હાઇટમાં ફેરવી નાખવી. ફોનની દુનિયા બ્લેક-વ્હાઇટ થતાં જ રિલ્સમાં લોકોની રુચિ ઓછી થઇ જાય છે. થમ્બ નેલ ઝાંખા લાગવા માંડે છે અને સ્ક્રોલ કરવાનું મન થતું નથી. આ એક નાનકડો ઉપાય છે, પરંતુ તે ખૂબ જ અસરકારક મનોવૈજ્ઞાનિક પરિણામો આપે છે. આ સાથે કેટલાક લોકો તેમના ફોનમાં ડાઉનલોડ કરેલા દરેક મીડિયા એપ માટે દિવસમાં 20 થી 30 મિનિટની લિમિટ નક્કી કરે છે અને લિમિટ પૂર્ણ થતાંની સાથે જ આ એપ્લિકેશનો આપમેળે લોક થઇ જાય છે. જેથી મોબાઇલથી છુટકારો મળી જાય છે. આ ઉપાય શરૂઆતમાં ત્રાસ ઉપજાવનાર સાબિત થાય છે, પરંતુ 3-4 દિવસ પછી તે આદત બની જાય છે.

3. ફોન મુક્ત સવારની શરૂઆત

આજકાલ કેટલાક લોકો સવારે જાગ્યા પછી એક થી બે કલાક સુધી પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળે છે. આ દરમિયાન તેમનો મોબાઇલ સ્વિચ ઓફ રહે છે. જ્યાં સુધી મોબાઇલ સ્વિચ ઓફ રહે છે, તેઓ ફ્રેશ થાય છે, ચા પીવે છે, છાપું વાંચે છે, વ્યાયામ કરે છે અથવા આવું કંઇ નથી કરતા તો આ દરમિયાન માત્ર બારીની બહાર જોવાનું કામ કરે છે. જે લોકો આ ઉપાય અજમાવી રહ્યા છે તેનો અનુભવ છે કે આનાથી આખો દિવસ શાંતિનો અનુભવ થાય છે.

4. ડમ્બ ફોનનું કમબેક

ફોન સંબંધિત બધી ચિંતાઓનું મૂળ સ્માર્ટફોન છે. કારણ કે તેમાં જ વિવિધ મીડિયા કોમ્યુનિકેશન શક્ય છે. જેને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો મોબાઇલથી બચવા માટે ડમ્બ ફોન તરફ પાછા વળ્યા છે. લોકો પોતાની પાસે એવા ફોન રાખી રહ્યા છે જેનાથી માત્ર કોલ કરી શકાય, કોલ રિસીવ કરી શકાય અને મેસેજ મોકલી અને મેળવી શકાય. જો કે આવા લોકો તેની પાસે બીજો સ્માર્ટફોન પણ રાખે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સાંજે નવરાશની પળોમાં એક-બે કલાક કરે છે. આ ઉપાય પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યો છે. લોકોના અનુભવ જણાવે છે કે આ ઉપાય અજમાવ્યા બાદ સરળતાથી તેમની સ્ક્રોલ કરવાની આદત નીકળી ગઇ છે. આ સાથે કેટલાક લોકો સોશ્યલ મીડિયા ફાસ્ટિંગનો ઉપાય અજમાવી રહ્યા છે. ફોનથી દૂર રહેવાનો આ એક બીજો ઉપાય છે. જે રીતે કેટલાક લોકો ધાર્મિક રીતે અઠવાડિયામાં એક કે બે દિવસ ઉપવાસ રાખે છે. લગભગ એવી જ આસ્થા સાથે આ ઉપાય અંતર્ગત લોકો અઠવાડિયામાં એક દિવસ કે 15 દિવસમાં એક દિવસ ફોનથી સંપૂર્ણ રીતે દૂર રહેવાનો ઉપાય અજમાવે છે. આ ઉપાય શરૂઆતમાં ભારે મુશ્કેલીથી પૂર્ણ કરી શકાય છે. કારણ કે એક જ ઝાટકે 24 કલાક મોબાઇલથી દૂર રહેવું સરળ નથી, પરંતુ જ્યારે એક વાર કે બે-ત્રણ વાર આ પ્રયોગ કરવો સંભવ બને છે ત્યાર બાદ લોકો હળવાશ અને શાંતિનો અનુભવ કરે છે.

5. ફોનને બેડરૂૂમની બહાર રાખવો

જેમ કેટલાક લોકો બેડરૂમમાં પ્રવેશતા પહેલા ચપ્પલ બહાર કાઢી નાખે છે. એવી જ રીતે કેટલાક લોકો તેમના ફોનને બેડરૂમની બહાર રાખીને સૂવે છે. આ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે મોટાભાગના લોકો રાત્રે મોબાઇલ તેમના માથા નીચે જ નથી રાખતા પરંતુ ચાર્જિંગની વ્યવસ્થા પણ બાજુમાં જ રાખે છે. આવી સ્થિતિમાં જેઓ આખી રાત પોતાના ફોનને બેડરૂમની બહાર રાખીને તેનાથી દૂર રહેવાની હિંમત દાખવે છે તેમના માટે આ એક મોટી સાધના છે. આના ઘણા ફાયદા છે. બે-ત્રણ દિવસની શરૂઆતની બેચેની પછી ઊંઘમાં સુધારો થવા લાગે છે. રાતનું સ્ક્રોલિંગ સમાપ્ત થાય છે. સવારે અલાર્મ બંધ કરવા માટે સવારે ઊઠવાની જરૂર રહેતી નથી અને આરામદાયક ઊંઘ આવે છે.     

આ માત્ર આદત નથી માનસિક સ્વાસ્થ્યની લડાઇ છે

હવે લોકો એ વાત સારી રીતે સમજવા લાગ્યા છે કે ફોનનો વધુ પડતો ઉપયોગ માત્ર તેમની આંખો પર જ નહીં પરંતુ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, ભાવનાત્મક સ્થિરતા અને ત્યાં સુધી કે આત્મસંતોષની ભાવના પર પણ ઊંડી અસર કરી રહ્યો છે. પોતાના મોબાઇલ ફોનથી દૂર રહેવું એ પોતાની જાત સાથે સંપર્કમાં રહેવા સમાન છે. જે લોકો ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે તેમના અનુભવો દર્શાવે છે કે તેઓ જેટલો વધુ સમય પોતાના ફોન સાથે ગાળે છે તેટલા જ વધુ તેઓ એકલતાનો અનુભવ કરે છે. આવી સ્થિતિમાં ફોન, ફોન ન રહીને એક એવી પ્રેમિકા બની જાય છે જેનાથી અલગ પણ થઇ શકાતું નથી અને જેની સાથે લોકો શાંતિથી રહી પણ શકતા નથી. ઘણા માતા-પિતા તેમના બાળકોની મોબાઇલની આદત છોડાવવા માટે પોતે તેમની સામે ફોનથી દૂર રહીને ઉદાહરણ બેસાડી રહ્યા છે. આ સમગ્ર કવાયતનો ધ્યેય એ છે કે મોબાઇલ ફોન આપણા માલિક ન બને, આપણે જ તેના માલિક રહીએ.