Tue Oct 06 2026

Logo

'સુફિયાણી વાતો નહીં, પૈસા પાછા અપાવો', ડિજિટલ અરેસ્ટ મામલે ગુજરાત HCની પોલીસને ટકોર

2026-09-24 12:42:00
Author: Mumbai Samachar Team
'સુફિયાણી વાતો નહીં, પૈસા પાછા અપાવો', ડિજિટલ અરેસ્ટ મામલે ગુજરાત HCની પોલીસને ટકોર

અમદાવાદઃ સમાજમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કેસને લઈ સિનિયર સિટીઝન તથા વૃદ્ધો સાથે થતી કરોડો રૂપિયાની છેત્તરપિંડી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના પોલીસ વિભાગની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કેરીઅલે પોલીસ વિભાગને ટકોર કરતા કહ્યું હતું કે, પોલીસે સુફિયાણી વાતો કરવા કરતા સિનિયર સિટીઝનના પૈસા પાછા મળે એ તરફ ધ્યાન આપવું જોઈએ. ડિજિટલ અરેસ્ટના કેસમાં પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ. વૃદ્ધો ડિજિટલ અરેસ્ટનો ભોગ ન બને એ માટે, પૈસા ખોટી રીતે ગુનેગારો સુધી ન જાય એ માટે એક ફૂલપ્રુફ વ્યવસ્થા કરવી જોઈએ. 

આકરા શબ્દોમાં ટીકા કરી
ડિજિટલ અરેસ્ટના કેસમાં આરોપીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જજે રાજ્યના પોલીસ વિભાગને આકરા શબ્દોમાં ટકોર કરી હતી. સાયબર ક્રાઈમ વિભાગના કર્મચારીઓની તપાસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.  કોર્ટે કહ્યું કે, વૃદ્ધોને ખબર પડતી નથી એટલે ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. સવાલ એ પણ છે કે, ખરેખર સાયબર પોલીસને કેટલી સમજણ પડે છે?અત્યાર સુધીમાં ભોગ બનેલા કેટલા પીડિત સિનિયર સિટીઝનને પૈસા પાછા અપાવી દીધા? કોઈ સિનિયર સિટીઝન ડિજિટલ અરેસ્ટનો ભોગ ન બને એવું કેમ નથી કરતા? આ કેસમાં કોર્ટે રૂ.60 લાખ ગુમાવનાર ફરિયાદીને હજુ સુધી રકમ પાછી ન મળતા તથા મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. આ કેસમાં ફરિયાદીએ 60 લાખની રકમ ગુમાવી છે. પોલીસ યોગ્ય રીતે કેમ તપાસ કરતી નથી. જે આરોપીએ બેંક ખાતુ ભાડા પર આપેલું હતું એની પાસેથી માત્ર 10 લાખ જ રિકવર થયા છે. પોલીસ કેમ ફરિયાદને એની રકમ પાછી અપાવતી નથી. 

ખોટા ખાતા માટે જવાબદાર કોણ?
ખાસ કરીને સાયબર ક્રાઈમના કેસમાં મ્યુલ એકાઉન્ટની તાપસ તો માત્ર એક નાટક સમાન બને છે. હકીકતમાં બેંકમાં આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ અને ડિજિટલ અરેસ્ટના નાણાથી ફ્રોડ થાય છે. આ માટે બેંક મેનેજર કે જવાબદાર અધિકારી પણ આ પ્રકારના ખોટા ખાતા માટે જવાબદાર છે. જ્યારે બેંક કેવાયસીની પ્રક્રિયા માટે ખાતેદારોને દરેક દસ્તાવેજ ફરજિયાત લાવવા માટે દબાણ કરે છે પણ સામે આ પ્રકારના એકાઉન્ટની કેમ કોઈ પુષ્ટિ કરતું નથી. સાયબર ફ્રોડના કેસમાં બેંક મેનેજરને પણ જવાબદાર તરીકે સાબિત કરો તો ફ્રોડ અટકે એમ છે. એક ચોક્કસ સિન્ડિકેટના કારણે જ આ બધુ શક્ય છે. આવું થાય ત્યારે મોટાભાગના કેસમાં પૈસા પાછા આવવાની આશા પર એસિડ રેડાઈ જાચ છે.