Fri Aug 21 2026

Logo

કરોડોનું ટર્નઓવર પણ સવારની શરૂઆત માત્ર ૧ રૂપિયામાં! જાણો સવજી ધોળકિયાની 'મેથી કોફી'નું રહસ્ય....

2026-02-23 22:25:00
Author: Devayat Khatana
Article Image

સુરત: પોતાના કર્મચારીઓને મોંઘી કાર અને મકાન ભેટમાં આપવા માટે વિશ્વભરમાં જાણીતા સુરતના ડાયમંડ વ્યાપારી સવજી ધોળકિયાની જીવનશૈલી જેટલી ભવ્ય છે, તેટલી જ તેમની સવારની શરૂઆત સાદગીપૂર્ણ છે. કરોડોનું સામ્રાજ્ય સંભાળતા સવજીભાઈ દરરોજ સવારે એક એવી ખાસ ડ્રિંક પીવે છે જેની કિંમત ૧ રૂપિયા કરતા પણ ઓછી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ વર્ષોથી પરંપરાગત કોફીને બદલે મેથીના દાણામાંથી બનેલી 'ઓર્ગેનિક મેથી કોફી' પીવે છે. આ ડ્રિંક સંપૂર્ણપણે કેફીન મુક્ત અને સ્વાસ્થ્યપ્રદ છે.

સવજીભાઈ ધોળકિયાએ આ સીક્રેટ રેસીપી શેર કરતા જણાવ્યું કે, આ કોફી બનાવવા માટે કોફી બીન્સની જરૂર પડતી નથી. તે દેખાવમાં બિલકુલ રિચ બ્લેક કોફી જેવી જ લાગે છે પરંતુ તે રસોડામાં ઉપલબ્ધ મેથીના દાણામાંથી તૈયાર થાય છે. તે બનાવવાની રીત પણ અત્યંત સરળ છે; સૌથી પહેલા મેથીના દાણાને પેનમાં ત્યાં સુધી શેકવામાં આવે છે જ્યાં સુધી તેનો રંગ ડાર્ક બ્રાઉન ન થઈ જાય. ત્યારબાદ આ દાણાને પીસીને પાવડર બનાવી લેવામાં આવે છે અને પછી ઉકળતા પાણીમાં નાખીને તેને કોફીની જેમ ઉકાળવામાં આવે છે. સ્વાદમાં પણ આ એસ્પ્રેસો જેવી જ લાગે છે.

આ ખાસ કોફી પીવાના ફાયદાઓ વિશે જણાવતા તેમણે ભાર મૂક્યો હતો કે તેનાથી સામાન્ય કોફીની જેમ એસિડિટી કે ઊંઘમાં તકલીફ થતી નથી. મેથીમાં રહેલું 'ગેલેક્ટોમેનન' અને ફાઈબર લોહીમાં સુગરના શોષણને ધીમું કરે છે, જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે કુદરતી ઈન્સ્યુલિન જેવું કામ કરે છે. તે ચયાપચયને ઝડપી બનાવે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે. આ ઉપરાંત, તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ કારગત નીવડે છે.

જોકે, કોઈપણ વસ્તુ જો વધુ પડતી હોય તો તે નુકસાનકારક હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, મેથીની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓએ તેનું વધુ સેવન ટાળવું જોઈએ, કારણ કે તે ગર્ભાશયમાં સંકોચન વધારી શકે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી અચાનક વધુ પડતું સેવન કરવાથી ઝાડા, ગેસ અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. જે લોકો ડાયાબિટીસની દવા લેતા હોય તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ કારણ કે તે બ્લડ શુગર લેવલ જરૂર કરતા વધુ ઘટાડી શકે છે.

આમ, સાવજી ધોળકિયા માટે આ કોફી માત્ર પૈસા બચાવવા માટે નથી, પરંતુ શરીરમાં જતી શુદ્ધતા અને સ્વાસ્થ્ય માટે છે. મગફળી કે ચણાની એલર્જી ધરાવતા લોકોએ મેથીના સેવનથી સાવધ રહેવું જોઈએ કારણ કે આ ત્રણેય એક જ ફેમિલીના માનવામાં આવે છે. તેમ છતાં, જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો આ 'મેથી કોફી' સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.