Thu Jun 25 2026

Logo

ટૂંકું ને ટચ: ચાર હજાર વર્ષ પહેલાં પણ હતી ભારતમાં એક સ્માર્ટ સિટી...!

2026-05-24 09:02:00
Author: N.K.Arora
Article Image

 

 

 

- એન. કે. અરોરા

 

જ્યારે દુનિયાના અનેક ભાગોમાં લોકો પાયાની વસાહતની રીત શીખી રહ્યા હતા, ત્યારે કચ્છના સૂકા અને કઠોર ભૂ-ભાગમાં એક એવી ’સ્માર્ટ સિટી’ અસ્તિત્વમાં હતી, જેમાં વરસાદના દરેક ટીપાને બચાવવાની સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવસ્થા હતી. રસ્તાઓનું આયોજિત નેટવર્ક હતું અને જીવન શિસ્તમાં બંધાયેલું હતું. જી હા, આપણે ધોળાવીરાની વાત કરી રહ્યા છીએ, જે ઈ.સ. પૂર્વે આશરે 3000 થી 1500 ના સમયગાળા દરમિયાન અસ્તિત્વમાં હતું. આ માત્ર એક સાધારણ નગર નહોતું પરંતુ ત્રણ ભાગમાં વહેંચાયેલું આજની પરિભાષામાં કહીએ તો એક ’સ્માર્ટ સિટી’ હતું. તેના ઉપલા ભાગમાં કિલ્લો હતો અને ત્યારબાદ મધ્ય તથા નીચલું નગર હતું. આ વિભાજન માત્ર વહીવટી નહોતું, પરંતુ સામાજિક અને કાર્યકારી દ્રષ્ટિએ પણ અત્યંત ઉન્નત હતું. આજે આપણે જેને ’ઝોનિંગ સિસ્ટમ’ કહીએ છીએ, તે સિસ્ટમ 4000 વર્ષ જૂની સ્માર્ટ સિટી ધોળાવીરામાં મોજૂદ હતી. 

 

આ બધું ફક્ત કાલ્પનિક નથી, પરંતુ ઇતિહાસની નક્કર હકીકત છે. ધોળાવીરા પથ્થરોમાં છુપાયેલી એક એવી નગરી હતી, જેના ખંડેરો આજે પણ સવાલ પૂછે છે કે, શું આપણે આજે ખરેખર આધુનિક છીએ કે માત્ર આધુનિકતાનો ભ્રમ પાળી બેઠા છીએ? ધોળાવીરાના ખંડેરો વચ્ચે ઉભા રહીને આજે પણ એવું લાગે છે જાણે અહીં સમય થંભી ગયો હોય અને ભૂતકાળ આપણા કાનમાં ગણગણી રહ્યો હોય કે, ’અમે તમારાથી આગળ હતા.’ અહીંના જળાશયો, શહેરની ગટર વ્યવસ્થા અને સૌથી મોટી વાત અહીં મળેલી રહસ્યમય લિપિ, પોતાનામાં ન જાણે કેટલીય અનકહી વાર્તાઓ સમેટીને બેઠી છે. આ માત્ર એક શહેર નથી પરંતુ આપણી વિચારધારા, આપણા વિકાસ અને આપણી સમજણ માટે એક પડકાર છે. આજે જ્યારે આપણે બેંગલુરુ, ચેન્નાઈ કે દિલ્હી જેવા શહેરોને પાણીના સંકટ સામે ઝઝૂમતા જોઈએ છીએ, ત્યારે ધોળાવીરા આપણને શીખવે છે કે ’સ્માર્ટનેસ’ માત્ર ટેકનોલોજીમાં નથી હોતી, પરંતુ સંસાધનોના સમજદારીપૂર્વકના ઉપયોગમાં પણ હોય છે. આજે પણ કોઈપણ શહેરની સાચી પરીક્ષા એ વાતથી થાય છે કે તેનું જળ વ્યવસ્થાપન કેવું છે, અને આશ્ચર્યની વાત એ છે કે ધોળાવીરા હજારો વર્ષો પછી પણ આ કસોટી પર માત્ર ખરું જ નહીં પણ સર્વશ્રેષ્ઠ ઉતરે છે. અહીંના વિશાળ જળાશયો, જળાશયમાંથી નીકળતી નહેરો અને વરસાદી પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ આજે પણ એક મિસાલ સમાન છે. કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં, જ્યાં પાણીના એક-એક ટીપાની અછત હોય છે, ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને હર્યું-ભર્યું શહેર વસાવવું એ કોઈ કલ્પનાથી ઓછું લાગતું નથી.