Sun Sep 13 2026

Logo

રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં લાગી આગ, જીવ બચાવવા લોકો બારીમાંથી કુદ્યા

2026-03-13 10:47:00
Author: Vimal Prajapati
રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં લાગી આગ, જીવ બચાવવા લોકો બારીમાંથી કુદ્યા

ધાનેરા, બનાસકાંઠાઃ રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં ધાનેરા નજીક આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બસમાં લાગેલી આગના કારણે એક વ્યક્તિનું મોત થયું અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં આગ લાગતાં ટ્રાફિક જામ થયો હોવાનું પણ જાણવા મળ્યં છે. આ બસમાં કુલ 16 લોકો સવાર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ખાનગી બસ જેસલમેરના નાચનાથી અમદાવાદ જઈ રહી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

ધાનેરા-નેનાવા બોર્ડર પાસે બસમાં આગ લાગી

ઘટનાની વાત કરવામાં આવે તો, આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ધાનેરા-નેનાવા બોર્ડર પાસે બસમાં આગ લાગી હતી. આ બસમાં 16 મુસાફરો સવાર હતાં. પ્રાથમિક તપાસ પ્રમાણે એસીમાં થયેલા શોર્ટ સર્કિટના આગ લાગી હતી. જોતજાતોમાં આખી બસ આગની ચપેટમાં આવી ગઈ હતી. બસમાં આગ લાગી હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. 

લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો

બસમાં આગ લાગી હોવાના કારણે મોટાભાગના લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ આ દરમિયાન એક યાત્રી આગની ચપેટમાં આવી ગયો હોવાથી તેનું મોત થયું છે. જ્યારે ત્રણ અન્ય યાત્રીઓ પણ દાઝ્યા હોવાથી તેમને ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ યાત્રીઓની સ્થિતિ વધારે ગંભીર હોવાના કારણે અહીં પ્રાથમિક સારવાર આવ્યાં બાદ તેમને પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. 

થોડા દિવસ પહેલા જ બસ સેવા શરૂ કરવામાં આવી હતી

આ ટ્રાવેલના સંચાલકના જણાવ્યાં પ્રમાણે નાચનાથી અમદાવાદ વચ્ચે થોડા દિવસ પહેલા બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, મુસાફરોનો આખો સામાન, કિંમતી દસ્તાવેજો અને મોબાઈલ ફોન પણ બળીને ખાખ થઈ ગયા છે. હજી સુધી આ યાત્રીઓના પરિવારજનોનો સંપર્ક થઈ શક્યો નથી. જેથી ધાનેરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.