Mon Aug 17 2026

Logo

ધામણી ડેમમાંથી પાણી છોડવા અંગે પાલઘરમાં સૂર્યા નદી કિનારાના ગામો માટે હાઇ એલર્ટ

2026-07-30 20:18:53
Author: Sapna Desai
Article Image

પાલઘર: ધામણી ડેમમાંથી વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ પાલઘરમાં સૂર્યા નદી કિનારાના ગામોને  હાઇ એલર્ટ આપવામાં આવ્યું હોવાનું  સિંચાઈ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

ધામણી ડેમ પાલિઘર જિલ્લાના વિક્રમગઢમાં સૂર્યા મુખ્ય સિંચાઈ યોજનાનો ભાગ છે. પાલઘર સિંચાઈ વિભાગ (મનોર)ના ઍક્ઝિક્યુટીવ ઍન્જિનિયર દ્વારા જાહેર કરવામાં આવેલા  સત્તાવાર સંદેશા વ્યવહાર મુજબ ૨૯ જુલાઈના રોજ ધામણી ડેમમાં પાણીનું સ્તર ૧૧૩.૧૦ મીટર હતું. તેમાં ૨૧૦.૧૮૫ મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૭૨.૮૦ ટકા હિસ્સો ધરાવે છે. 

પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતી હવામાન વિભાગની ચેતવણી બાદ કલેક્ટર અને  ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની અધ્યક્ષતામાં કોંકણ પ્રદેશ જળ સંસાધન વિભાગના અધિકારીઓ સાથે એક ઉચ્ચ-સ્તરીય વિડિઓ કોન્ફરન્સ યોજાઈ હતી. આગામી ભારે વરસાદ દરમ્યાન ૩૧ જુલાઈ સુધી ડેમના પાણીનું સ્તર ૧૧૨.૦૦ મીટરના સલામત સ્તર પર જાળવવા માટે અધિકારીઓએ બુધવારથી નિયંત્રિત પાણી છોડવાનું શરૂ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મંજૂર ગેટ ઓપરેશન શેડ્યૂલ હેઠળ, ધામણી ડેમના પાંચ વક્ર સ્પિલવે ગેટ (ગેટ નંબર ૧, ૨, ૩, ૪ અને ૫) ૩૦ સેન્ટિમીટર ઉંચા કરવામાં આવ્યા હતા, જેના પરિણામે ૨,૦૯૪.૧૭૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, તેમજ પાવરહાઉસમાંથી વધારાના ૬૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આનાથી સૂર્યા નદીના તળમાં કુલ પાણી છોડવાનું ૨,૭૪૪.૧૭૯ ક્યુસેક થયું છે.

બંધ વહીવટીતંત્રે ચેતવણી આપી હતી કે ચાલુ પાણી છોડવાના પરિણામે સૂર્યા નદીમાં પાણીનું સ્તર વધશે. નદી કિનારાના ગામડાઓમાં ખાસ કરીને વિક્રમગઢ, પાલઘર, દહાણુ અને કાસામાં રહેતા લોકોને સતર્ક રહેવા અને નદીમાં કે તેની નજીક જવાનું ટાળવાની સખત ચેતવણી આપવામાં આવી છે. વરસાદની તીવ્રતાના આધારે, પાણીના વિસર્જન દરને આધારે નવી ચેતવણી જાહેર કરવામાં આવશે એવું અઘિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઈ)