Tue Oct 06 2026

Logo

અનેક બનાવો છતાં વિધાનસભામાં સફાઈ કામદારોના મોત મુદ્દે સરકારનો 'ઝીરો ડેથ'નો દાવો!

2026-03-15 09:49:00
Author: Devayat Khatana
અનેક બનાવો છતાં વિધાનસભામાં સફાઈ કામદારોના મોત મુદ્દે સરકારનો 'ઝીરો ડેથ'નો દાવો!

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં શનિવારે સફાઈ કામદારોના મૃત્યુ અને અસ્પૃશ્યતાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદ્યુમન વાજા સામસામે આવી ગયા હતા. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે આજે પણ આધુનિક ટેકનોલોજી હોવા છતાં અનુસૂચિત જાતિના પુરુષોએ ગટરમાં ઉતરવું પડે છે અને ગૂંગળામણને કારણે તેમના મોત થાય છે. આના જવાબમાં પ્રધાન વાજાએ દાવો કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં સરકારી સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કામમાં સફાઈ કામદારના મૃત્યુનો એક પણ કિસ્સો નોંધાયો નથી.

સરકારના દાવા છતાં, જાન્યુઆરી 2025માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં બે દલિત સફાઈ કામદારોના મેનહોલ સાફ કરતી વખતે ગૂંગળામણથી મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું. 21 જાન્યુઆરી, 2025 ના રોજ બનેલી આ ઘટનામાં 18 વર્ષીય ચિરાગ પાટડીયા અને 28 વર્ષીય જયેશ પાટડીયાનું ઝેરી ગેસને કારણે મોત થયું હતું. આ કેસમાં પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ સહિત ત્રણ લોકો સામે ગુનાહિત માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.

વિધાનસભામાં ચર્ચા દરમિયાન જીગ્નેશ મેવાણીએ ટેકનોલોજીના ઉપયોગ અને કાયદાના અમલીકરણમાં નિષ્ફળતા અંગે સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે આવા મૃત્યુ થાય છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ સામે ગુના નોંધાતા નથી અને ટ્રાયલ પણ ચાલતી નથી. બીજી તરફ, પ્રધાને જણાવ્યું હતું કે સરકાર ગટર સાફ કરવા માટે મશીનરીનો ઉપયોગ કરે છે અને 'મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ' ના કડક અમલીકરણ પર ભાર મૂકી રહી છે. જોકે, પાટડીની ઘટનામાં કામદારો કોઈપણ સુરક્ષા સાધનો કે દોરડા વગર 15 થી 20 મીટર ઊંડા મેનહોલમાં ઉતર્યા હોવાનું બહાર આવ્યું હતું.