નવી દિલ્હી: દિલ્હી સરકાર દ્વારા પાટનગરમાં પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ પરિવહનને વેગ આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં 'દિલ્હી નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી' ને મંજૂરી આપવામાં આવી છે. આગામી 1 જુલાઈ 2026 થી 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેનારી આ પોલિસી અંતર્ગત દિલ્હી સરકાર આગામી ચાર વર્ષમાં આશરે રૂ. 15000 કરોડનો જંગી ખર્ચ કરશે. આ બજેટમાંથી રૂ. 7000 કરોડ વાહનો માટે અને રૂ. 8000 કરોડ ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સબસિડી પાછળ ખર્ચાશે. આ યોજનાનો સીધો લાભ સામાન્ય નાગરિકોને મળશે અને તેનાથી પ્રદૂષણમાં ૩૩ થી ૪૬ ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે.
આ નવી નીતિ હેઠળ લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે મોટા પાયે આર્થિક પ્રોત્સાહન અને ફાયદાઓ આપવામાં આવશે. પોલિસી હેઠળ શુદ્ધ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે, જો કે ફોર-વ્હીલર માટે આ મુક્તિ રૂ. 30 લાખ સુધીની કિંમતની ગાડીઓ પર જ મળશે. આ ઉપરાંત, ખરીદી પર વાર્ષિક ધોરણે સબસિડી નક્કી કરાઈ છે, જેમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર પહેલા વર્ષે રૂ. ૩૦,૦૦૦ સુધી, થ્રી-વ્હીલર માટે પહેલા વર્ષે રૂ. 50,000 સુધી અને N1 કેટેગરીના નાના ઇલેક્ટ્રિક ટ્રક માટે પહેલા વર્ષે રૂ. 1 લાખ સુધીની ઇન્સેન્ટિવ સીધી ગ્રાહકોને મળશે.
दिल्ली में नई EV Policy को आज कैबिनेट ने मंजूरी दे दी है। राजधानी में व्हीकल पॉल्यूशन पर प्रभावी नियंत्रण और स्वच्छ परिवहन को बढ़ावा देने की दिशा में यह एक ऐतिहासिक कदम है।
— Rekha Gupta (@gupta_rekha) June 29, 2026
नई EV Policy 1 जुलाई 2026 से लागू होगी और 31 मार्च 2030 तक प्रभावी रहेगी।
नीति की प्रमुख विशेषताएं:
🔹… pic.twitter.com/K27lQPM0va
આ સાથે સરકારે જૂના અને ભંગાર વાહનોને રોડ પરથી હટાવવા માટે આકર્ષક 'સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવ' ની પણ જાહેરાત કરી છે. BS4 કે તેથી નીચેના ઇમિશન ધોરણો ધરાવતા જૂના ટુ-વ્હીલરને સ્ક્રેપમાં આપવા પર વાહન માલિકને રૂ. 10000 અને ફોર-વ્હીલર પેસેન્જર વાહનો માટે પહેલા 1 લાખ વાહનોને રૂ. 1 લાખ સુધીનું સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવ અપાશે. આ સાથે જ થ્રી-વ્હીલર માટે રૂ. 25000 અને નાના ટ્રકો માટે રૂ. 50000 ની સહાય મળશે. આ પરિવર્તનને કડક બનાવવા માટે સરકાર 1 જાન્યુઆરી 2027 થી પેટ્રોલ-સીએનજીથી ચાલતા થ્રી-વ્હીલર અને નાના ટ્રકોના નવા રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકશે અને 1 એપ્રિલ 2028 થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનોના વપરાશકારોને ચાર્જિંગની કોઈ સમસ્યા ન નડે તે માટે દિલ્હી સરકાર PM-eDrive યોજના સાથે મળીને સમગ્ર શહેરમાં ૩૨,૦૦૦ નવા ઇવી ચાર્જિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરશે, જેના માટે જમીનો પણ ચિહ્નિત કરી લેવાઈ છે. આ સિવાય બાળકોની સુરક્ષા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સ્કૂલ બસો માટે પણ મોટો નિર્ણય લેવાયો છે. નવી પોલિસી લાગુ થયાના ૨ વર્ષમાં શાળાઓએ પોતાની કે ભાડે રાખેલી બસોના ૧૦ ટકા ફ્લીટને, 3 વર્ષમાં 20 ટકા અને 31 માર્ચ 2030 સુધીમાં 30 ટકા બસોને ફરજિયાતપણે ઇલેક્ટ્રિક બસોમાં કન્વર્ટ કરવી પડશે.