નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં રવિવારની મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કરોલ બાગ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલી ઝંડેવાલન મંદિર પાસે એક મુસાફર ભરેલી ડબલ ડેકર બસ પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર કે આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. દિલ્હી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનાની જાણકારી રાત્રે અંદાજે 1 વાગ્યાને 8 મિનિટે મળી હતી. રાજસ્થાનથી આવેલી આ ખાનગી ડબલ ડેકર બસ હનુમાન મંદિર ચોક પાસે અચાનક અસંતુલિત થઈને પલટી ગઈ હતી. બસમાં આશરે 25 મુસાફરો સવાર હતા, જેમાંથી બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અન્ય ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ હાલમાં અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.
માર્ગ અકસ્માતોનો સિલસિલો માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત નથી. ત્રણ દિવસ પહેલા જયપુર-દિલ્હી હાઈવે પર પણ એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. હરિયાણા રોડવેઝની એક પુરપાટ ઝડપે આવતી બસે જયપુરના ચંદવાજી વિસ્તારમાં પુલ પાસે એક બાઈકને અડફેટે લીધી હતી. આ બાઈક પર ચાર મિત્રો સવાર હતા, જેમાંથી ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માત બાદ બસ ડિવાઈડર ક્રોસ કરીને પ્લાન્ટેશન વિસ્તારમાં ઘૂસી ગઈ હતી.
છેલ્લા એક સપ્તાહમાં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ એક ભયાનક માર્ગ અકસ્માત નોંધાયો હતો. રાવતસર મેગા હાઈવે પર બરમસર પાસે એક મુસાફર બસ અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે 5 મુસાફરોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ તમામ ઘટનાઓ હાઈવે પર વધતી જતી વાહનોની ગતિ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે લાલબત્તી ધરે છે.