Sat May 02 2026

Logo

દિલ્હી-બેંગલુરુમાં વરસાદી માહોલ: ઈન્ડિગો અને એર ઈન્ડિયા સહિતની એરલાઇન્સ જાહેર એડવાઈઝરી

2026-03-19 14:48:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: દેશના મુખ્ય મેટ્રો શહેરો દિલ્હી અને બેંગલુરુ સાથ વિવિધ શહેરોમાં ગુરુવારે સવારથી જ હવામાનનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેની સીધી અસર હવે દેશના હવાઈ માર્ગો પર જોવા મળી રહી છે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટ જેવી અગ્રણી એરલાઇન્સ દ્વારા સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ કુદરતી ફેરફારોને કારણે મુસાફરોએ હવે એરપોર્ટ પહોંચવા માટે અને મુસાફરીના સમયમાં ફેરફાર માટે સજ્જ રહેવું પડશે.

ઈન્ડિગો એરલાઇન્સે પ્રવાસીઓને સૂચના આપતા જણાવ્યું છે કે, ખરાબ હવામાનને કારણે ઉડાનના આગમન અને પ્રસ્થાનમાં થોડો વિલંબ થઈ શકે છે. બીજી તરફ, એર ઈન્ડિયાએ પણ દિલ્હી અને ઉત્તર ભારતના ભાગોમાં સતત વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરી છે. એર ઈન્ડિયાએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ જવા નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી લે અને રસ્તામાં ટ્રાફિક જામની સ્થિતિને જોતા ઘરેથી વધારાનો સમય લઈને નીકળે.

માત્ર મેદાની વિસ્તારો જ નહીં, પરંતુ પહાડી વિસ્તારોમાં પણ હવામાન પડકારજનક બન્યું છે. સ્પાઈસજેટે માહિતી આપી છે કે લેહમાં અત્યંત ખરાબ હવામાનને કારણે તમામ ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ શકે છે. આની અસર લેહ સાથે જોડાયેલી અન્ય કનેક્ટિંગ ફ્લાઈટ્સ પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. પહાડી વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે એરલાઇન્સે સુરક્ષાના કારણોસર ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર અથવા રદ કરવાની ફરજ પડી શકે છે.

તમામ એરલાઇન્સે ખાતરી આપી છે કે તેમની ગ્રાઉન્ડ ટીમ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. જોકે, કુદરતી પરિબળોને કારણે સંચાલન થોડું ધીમું હોઈ શકે છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરલાઇન્સના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અથવા વેબસાઈટ પર સતત નજર રાખે. વધુમાં, વરસાદી માહોલને કારણે શહેરોના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વધી શકે છે, તેથી એરપોર્ટ પહોંચવામાં ઉતાવળ ન કરતા સમયસર ઘરેથી નીકળવું હિતાવહ છે.