Wed Sep 02 2026

Logo

મધ્ય-પૂર્વમાં યુદ્ધ છતાં કંડલા પોર્ટનો દબદબો, રેકોર્ડબ્રેક 158 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું

2026-03-31 10:46:00
Author: Mumbai samachar Team
મધ્ય-પૂર્વમાં યુદ્ધ છતાં કંડલા પોર્ટનો દબદબો, રેકોર્ડબ્રેક 158 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું

ભુજઃ ખાડી દેશોમાં સર્જાયેલી ભીષણ યુદ્ધની પ્રતિકૂળ પરિસ્થિતિ અને હોર્મુઝ સમુદ્રધુની બંધ થવાને કારણે વૈશ્વિક શિપિંગ ક્ષેત્ર જ્યારે ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશના અગ્રણી દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ કાર્ગો હેન્ડલિંગમાં અભૂતપૂર્વ સફળતા મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. તમામ અવરોધો વચ્ચે પણ કંડલા બંદરે પોતાની કાર્યક્ષમતા પુરવાર કરતા નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે.

આ અંગે કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ૧૮ દિવસ વહેલા ૧૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી કંડલા બંદરે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. આ સિદ્ધિ બાદ પણ મહાબંદરની આગેકૂચ જારી રહી છે. ગત મોડી રાત સુધીમાં વધુ ૮.૬૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવતા, કુલ આંકડો ૧૫૮.૬૦ મિલિયન મેટ્રિક ટન પર પહોંચ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઉદભવેલી વિકટ પરિસ્થિતિમાં અનેક માલવાહક જહાજો અટવાયા હોવા છતાં, કંડલા બંદરના પ્રશાસને પોતાની સર્વોપરિતા જાળવી રાખવા માટે સમયસર કેટલાક વ્યૂહાત્મક પગલાં લીધાં છે જેમાં વેપારીઓ અને હિતધારકોને આર્થિક રાહત આપવા માટે ટ્રેડ પ્રોત્સાહન જેવા વિવિધ પગલાં લેવાયા છે. શિપિંગ ક્ષેત્રે આવેલી જફા છતાં કાર્યક્ષમ વ્યવસ્થાપન દ્વારા માલસામાનની હેરફેર માટે વૈકલ્પિક આયોજન અને ઝડપી નિકાલ પર ભાર મૂકાયો છે, જેના પરિણામે દેશના બંદરોમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે સતત પ્રથમ હરોળમાં રહેવાની પરંપરાને વહીવટી તંત્રએ જાળવી રાખી છે.

દીનદયાલ પોર્ટની આ અસાધારણ સફળતા આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને દરિયાઈ વ્યાપાર માટે નવી આશા જન્માવે છે. પોર્ટ પ્રશાસન હવે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વધુ એક ઉંચો આંકડો સ્પર્શીને નવો ઇતિહાસ રચવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું હોવાનું જનસંપર્ક અધિકારીએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)