Sat Sep 05 2026

Logo

માચીસમાંથી મળ્યો મોતનો સામાન, ગાંધીધામ પાસે હેરોઈન વેચવા આવેલો યુપીનો શખ્સ ઝડપાયો!

2026-02-19 12:05:00
Author: Mumbai Samachar Team
માચીસમાંથી મળ્યો મોતનો સામાન, ગાંધીધામ પાસે હેરોઈન વેચવા આવેલો યુપીનો શખ્સ ઝડપાયો!

ભુજઃ પાકિસ્તાનને અડીને આવેલા સરહદી જિલ્લા કચ્છમાં ઉદ્યોગોના આવ્યા બાદ સતત વધી રહેલી પરપ્રાંતીય લોકોની હાજરી વચ્ચે પાછલા કેટલાક વર્ષોમાં નશાખોરીનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામથી ભચાઉ  જવાના સર્વિસ રોડ પર ઉત્તરપ્રદેશના બરેલીથી માદક પદાર્થ વેચવા આવેલા શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી  લઈને માચીસના નાનકડાં બોક્ષમાં છુપાવેલું રૂા.૬૪,૬૦૦નું હરોઈન ડ્રગ્સ જપ્ત કરવા આવ્યું હતું.  

ઉત્તરપ્રદેશના બરેલીનો અંજુમ અકીલ નામનો શખ્સ માદક પદાર્થ વેચવા માટે પરપ્રાંતીયોની બહોળી સંખ્યા ધરાવતા  ગળપાદર આસપાસ ઘૂમી રહ્યો હોવા અંગે મળેલી પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ ભચાઉ તરફ જતા સર્વિસ રોડ પર ધસી જઈને અંજુમ અકીલ અહેમદ સિદિકીને દબોચી લીધો હતો.  અંગજડતી લેતાં પેન્સિલ સેલવાળો ડિજિટલ વજન કાંટો, બે મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે મળી આવ્યા હતા. શરૂઆતમાં માદક પદાર્થ ન મળતાં તેની સઘન તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન તેણે માથે બાંધેલા ગમછાની તપાસ કરાતાં એક છેડે ગાંઠ વાળેલી દેખાઈ હતી જે ખોલી જોતાં તેમાં ગુલાબ કંપનીનું માચીસ બોક્સ મળ્યું હતું જેને ખોલતાં તેમાંથી માદક પદાર્થના નાના કદના ટુકડા મળ્યા હતા.  

અંજુમને એસ.ઓ.જી. કચેરી આદિપુર ખાતે લઈ જઈ એફ.એસ.એલ. અધિકારી દ્વારા માદક પદાર્થની પ્રાથમિક ખરાઈ કરાતાં આ પદાર્થ હેરોઈન, મોર્ફિન,કોકેઈન હોવાનું બહાર આવ્યું હતું.ઝડપાયેલા શખ્સ પાસેથી રૂા.૬૪,૬૦૦નો  માદક પદાર્થ, વજનકાંટો, ડ્રગ્સના વેંચાણ  થકી મેળવેલા રોકડ રૂા. ૧૨,૭૦૦, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૮૩,૮૦૦નો  મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  હાલ આ સમગ્ર બનાવની પોલીસે ઝીણવટભરી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)