Sat Aug 29 2026

Logo

`શું ચાલી રહ્યું છે આ બધું?' ગુસ્સે થયેલા ડેવિડ વૉર્નરે પાકિસ્તાનમાં આવું કોને કહી નાખ્યું?

2026-03-26 17:27:11
Author: Ajay Motiwala
`શું ચાલી રહ્યું છે આ બધું?' ગુસ્સે થયેલા ડેવિડ વૉર્નરે પાકિસ્તાનમાં આવું કોને કહી નાખ્યું?

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ઓપનિંગ સેરેમની રદ કરવી પડી, આ ટૂર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓ નીકળીને ભારતની આઇપીએલમાં રમવા આવી ગયા અને યુદ્ધને લીધે છને બદલે પીસીબીએ છેવટે માત્ર બે શહેરમાં પીએસએલ રાખવી પડી એ સ્થિતિમાં પીએસએલમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. આ હાલતમાં વિદેશી કૅપ્ટન ડેવિડ વૉર્નરે તાજેતરમાં કૅપ્ટનોની મીટિંગમાં પિત્તો ગુમાવ્યો હતો.

વાત એવી છે કે પીએસએલની મૅચો હવે ફક્ત લાહોર અને કરાચીમાં જ રમાવાની છે. બુધવારે એક પત્રકાર પરિષદમાં ટૂર્નામેન્ટ પહેલાં આઠ ટીમના કૅપ્ટનોની મીટિંગમાં કરાચી કિંગ્સ ટીમનો સુકાની ડેવિડ વૉર્નર (DAVID WARNER) સાથી કૅપ્ટનો પર ગુસ્સે થયો હતો. કૅપ્ટનોમાં પ્રોફેશાલિઝમનો અભાવ હોવાનો સંકેત પણ વૉર્નરે આપ્યો હતો.

બન્યું એવું કે પત્રકારો એક પછી એક સવાલ પૂછી રહ્યા હતા. એક જર્નલિસ્ટે પૂછેલા સવાલનો વૉર્નર જવાબ આપી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા કેટલાક કૅપ્ટનો વાતો કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા. એ સમયે વૉર્નરથી ન સહેવાયું અને તેણે તેમની સામે જોઈને કહ્યું, `શું ચાલી રહ્યું છે આ બધું?'

કરાચી કિંગ્સની ટીમની ટાઇટલ જીતવાની સંભાવના વચ્ચે વૉર્નર જ્યારે એક પત્રકારના સવાલનો જવાબ આપી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. વૉર્નર એવું પણ બોલ્યો હતો કે `સૉરી જેન્ટલમેન, મને લાગે છે કે અહીં સ્કૂલના બાળકો ભેગા થયા છે!'

બાબર આઝમ પેશાવર ઝલ્મી ટીમનો સુકાની છે. તે પૂરેપૂરો ફિટ ન હોવાથી આ વખતની પીએસએલમાં નહીં રમે એવી અગાઉ અટકળ હતી. જોકે તે ટીમના પ્રૅક્ટિસ કૅમ્પમાં આવી ગયો છે. એક અહેવાલ મુજબ પીએસએલની આઠ ટીમના કૅપ્ટનના નામ આ મુજબ છેઃ કરાચી કિંગ્સ (ડેવિડ વૉર્નર), હૈદરાબાદ કિંગ્સમેન (સઇમ અયુબ), ઇસ્લામાબાદ યુનાઇટેડ (શાદાબ ખાન), લાહોર કલંદર્સ (શાહીન શાહ આફ્રિદી), મુલ્તાન સુલ્તાન (ઍશ્ટન ટર્નર), પેશાવર ઝલ્મી (બાબર આઝમ), ક્વેટા ગ્લેડિયેટર્સ (સાઉદ શકીલ) અને રાવલપિંડીઝ (મોહમ્મદ રિઝવાન).