Sat Mar 07 2026

Logo

સાવધાન! ગળા પરની કાળી લાઈનો માત્ર મેલ નથી, આ ગંભીર બીમારીઓનું છે લક્ષણ...

1 week ago
Author: Tejas
Article Image

ઘણીવાર આપણે ગળા પર જમા થતા કાળા પડને સામાન્ય ગંદકી સમજીને તેને સ્ક્રબ કે સાબુથી સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ જો વારંવાર સાફ કરવા છતાં આ કાળાશ દૂર ન થતી હોય, તો તે મેલ નહીં પણ શરીરમાં અંદરખાને રહેલી બીમારીઓનું પ્રતિબિંબ હોઈ શકે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને 'એકેન્થોસિસ નિગ્રીકન્સ' (Acanthosis Nigricans) કહેવામાં આવે છે. આ લક્ષણ હોર્મોનલ અસંતુલન, ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. ગળાની કાળાશને ઘણીવાર લિવરના સ્વાસ્થ્ય સાથે પણ જોડીને જોવામાં આવે છે.

સ્કિન સ્પેશિયાલિસ્ટ્સના મતે, ગળા કે અંડરઆર્મ્સમાં જોવા મળતું કાળાપણું ડાયાબિટીસ, સ્થૂળતા, થાયરોઇડ, અને સ્ત્રીઓમાં જોવા મળતી PCOD કે PCOS જેવી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર લાંબા સમય સુધી ઊંચું રહે છે, ત્યારે ત્વચાના કોષોમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે, જેના પરિણામે ત્વચાના વળાંકવાળા ભાગો પર કાળી ધારીઓ અથવા જાડું પડ બની જાય છે. જો તમને અચાનક આવા નિશાન દેખાય, તો તેને અવગણવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

ગળાના પાછળના ભાગે આવતું કાળાપણું ખાસ કરીને મહિલાઓમાં હોર્મોનલ ડિસબેલેન્સ વિશે જણાવે છે. આવી સ્થિતિમાં માસિક ધર્મ અનિયમિત થવો, ચહેરા પર ખીલ થવા અથવા અણગમતા વાળ વધવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ ઉપરાંત, શરીરમાં લાંબા સમય સુધી વિટામિન D અને વિટામિન B12 ની ઉણપ પણ ત્વચાના રંગમાં પરિવર્તન લાવી શકે છે. આ ઉણપને કારણે શરીરમાં સોજો વધે છે, જે ગળા પર કાળી લાઈનો સ્વરૂપે દેખાઈ શકે છે.

ગળાની આ કાળશને દૂર કરવા માટે માત્ર ઘરેલું નુસખા કામ નથી આવતા, પરંતુ તેના મૂળ કારણની સારવાર જરૂરી છે. જો ડાયાબિટીસને કારણે આવું થતું હોય તો બ્લડ શુગરને નિયંત્રિત કરવું અને વજન ઘટાડવું અત્યંત આવશ્યક છે. ડોક્ટરોની સલાહ મુજબ હોર્મોનલ બેલેન્સ માટેની દવાઓ અને યોગ્ય આહાર લેવાથી ત્વચાનો રંગ ફરી સામાન્ય થઈ શકે છે. આ સાથે સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થાય છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તેને તબીબી સલાહ તરીકે ગણવી નહીં. કોઈપણ બીમારીના લક્ષણો દેખાય ત્યારે સચોટ નિદાન અને ઉપચાર માટે હંમેશા ક્વોલિફાઈડ ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

વધુ જુઓ...