Sat Aug 29 2026

Logo

આ ગુજરાતી સાંસદને થઈ બે વર્ષની જેલની સજા, શું હતો કેસ ? જિલ્લા પંચાયતના પ્રમુખને પણ સજા

2026-08-03 09:18:00
Author: Vimal Prajapati
આ ગુજરાતી સાંસદને થઈ બે વર્ષની જેલની સજા, શું હતો કેસ ? જિલ્લા પંચાયતના પ્રમુખને પણ સજા

દમણ: દમણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 2012ના એક જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપતા સંઘપ્રદેશ દમણ-દીવના વર્તમાન અપક્ષ લોકસભા સાંસદ ઉમેશ પટેલ અને દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ કાર્યકારી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બંને આરોપીઓને 2 વર્ષની સજા સાથે સાથે રૂપિયા 5 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

દંડ નહીં ભરે તો વધારાની 3 મહિનાની સજા ભોગવવી પડશે

અદાલતે બંનેને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 186 (સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવો) અને 353 (સરકારી કર્મચારી પર હુમલો અથવા ગુનાહિત બળપ્રયોગ) હેઠળ દોષિત ઠેરવ્યા છે. જોકે, કેસમાં લગાવવામાં આવેલી અન્ય કલમો (IPC 332, 452 અને 504) હેઠળ બંનેને મુક્ત કરવામાં આવ્યા છે. જો આરોપી દ્વારા દંડ ભરવામાં નહીં આવે તો વધારાની ત્રણ મહિનાની સજા ભોગવવી પડશે. અદાલતે બંનેને ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે એક મહિનાનો સમય આપી રૂપિયા 15,000ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.

શું હતો માર્ચ 2012નો સમગ્ર બનાવ?

આ કેસની વાત કરવામાં આવે તો, ઘટના 12 માર્ચ, 2012નો છે, જ્યારે મોટી દમણ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે અબકારી વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (ASI)ની ભરતી માટે શારીરિક કસોટી અને ઈન્ટરવ્યુની પ્રક્રિયા ચાલી રહી હતી. પોલીસ ફરિયાદ અને ચાર્જશીટ મુજબ, તે સમયે 'યૂથ એક્શન ફોર્સ' નામના એનજીઓનું સંચાલન કરતા ઉમેશ પટેલ અને સુખા પટેલ ત્યાં પહોંચ્યા હતા. એક ઉમેદવાર ઈન્ટરવ્યુ પ્રક્રિયામાં નાપાસ જાહેર થતાં બંને જણાએ ગેટ પર તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી બળજબરીથી ઈન્ટરવ્યુ રૂમમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પસંદગી સમિતિના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલે તત્કાલીન ASP જગમહેન્દ્ર સિંહની ફરિયાદના આધારે મોટી દમણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. લાંબી તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો બાદ આ મામલો અદાલતમાં ચાલ્યો હતો. 

કોર્ટના આદેશ બાદ સાંસદ ઉમેશ પટેલે શું કહ્યું?

સાંસદ ઉમેશ પટેલે સ્પષ્ટતા કહ્યું કે, ‘હું માત્ર સુખા પટેલની સાથે ગયો હતો, કારણ કે તેમણે મને કહ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં એક ઉમેદવાર સાથે અન્યાય થયો છે. આ બાબત મારા અંગત સ્વાર્થ સાથે જોડાયેલી નહોતી. કોર્ટે અમારા ઘણા મહત્વના મુદ્દાઓને ધ્યાને લીધા નથી, તેથી અમે ટૂંક સમયમાં વડી અદાલતમાં આ આદેશને પડકારીશું’.

સાંસદ પદ પર શું અસર પડી શકે?

કાયદા પ્રમાણે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ વર્ષની જેલની સજા થાય, તો તેઓ ગૃહના સભ્યપદ માટે અયોગ્ય ઠરી શકે છે. જોકે, અદાલતે અપીલ કરવા માટે સજા પર એક મહિનાનો સ્ટે આપ્યો હોવાથી, ઉપલી કોર્ટના આખરી નિર્ણય અને કાનૂની પ્રક્રિયા બાદ જ તેમના સાંસદ પદ અંગેનું ભવિષ્ય નક્કી થશે.