Sun Jun 28 2026

Logo

વિશેષ પ્લસ: ક્રાય ક્લબનો નવો ટ્રેન્ડ: સાથે મળીને રડીએ ને દુ:ખ દૂર કરીએ

2026-06-28 09:49:00
Author: Sahid A Chaudhary
Article Image

 

 

 

- શાહિદ એ ચૌધરી

 

સવારે વોકિંગ કરતી વખતે મેં પાર્કના એક ખૂણામાં કેટલાક વડીલોને એક સાથે મોટે-મોટેથી હસતા જોયા. પોતાનાં દુ:ખોને દૂર રાખવાનો, ડિપ્રેશનથી બચવાનો અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો આ તેમનો અનોખો રસ્તો છે,

 

એક વલણ જે ‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે’ કહેવતને કારણે વૈશ્વિક વલણ બની ગયું છે. જો કે, પાર્કમાંથી પાછો ફર્યો ત્યારે એક દુ:ખદ સમાચાર મળ્યા કે પડોશમાં એક વ્યક્તિનું  હાર્ટ એટેકથી અવસાન થયું છે. હું શોક વ્યક્ત કરવા માટે તેમના ઘરે ગયો તો જોયું કે ગુમસુમ અને ઉદાસ બેઠેલી મૃતકની પત્નીને ઘણી મહિલાઓ રડાવવાનો પ્રયત્ન કરી રહી હતી, અને તેમાંથી એક મહિલાને મેં એવું કહેતા સાંભળી કે, ‘અરે, આને રડાવો, થોડું દુ:ખ હળવું થશે, નહીંતર આ આઘાતના કારણે ડિપ્રેશનમાં જતી રહેશે.’

 

આ બંને ઘટનાઓ પરથી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે મનુષ્ય માટે હસવું અને રડવું એ બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કુદરતે આ બંને ગુણો માત્ર મનુષ્યોને જ આપ્યા છે (ઈજા થવા પર પ્રાણીઓ ચીસો જરૂર પાડે છે, પરંતુ રડતા નથી). આ તો ‘પુષ્પા, આઈ હેટ ટિયર્સ’ જેવી ફિલ્મી વાતો છે કે ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અથવા પુરુષો રડતા નથી. આજે સાર્વજનિક રીતે એ વાત સ્વીકારવામાં આવી રહી છે કે રડવાથી મન હળવું થાય છે અને સાથે મળીને રડવાથી દુ:ખમાંથી ઝડપથી મુક્તિ મેળવી શકાય છે. તેથી જ એમાં કોઈ આશ્ર્ચર્ય નથી કે દેશના લગભગ દરેક મુખ્ય શહેરમાં, શ્રીનગરથી લઈને બેંગલુરુ સુધી અને અમદાવાદથી લઈને ગુવાહાટી સુધી, ‘ક્રાય ક્લબ’ ખૂલી ગઈ છે. ભારતનો આ નવો સામૂહિક સંસ્કાર છે, જેમાં હાસ્યનું સ્થાન આંસુઓએ લઈ લીધું છે અને ખુલ્લા આકાશની જગ્યા આરામદાયક રૂમે લઈ લીધી છે, જ્યાં વ્યક્તિ ત્યાં સુધી રડી શકે છે જ્યાં સુધી તેના દિલનો બોજ હળવો ન થઈ જાય અને તે જિંદગીની નવી શરૂઆત કરવા માટે તૈયાર ન થઈ જાય. સુદર્શન ફાકીરનો આ શેર હવે અર્થહીન થઈ ગયો છે ‘આપ કહતે થે કિ રોને સે ન બદલેંગે નસીબ / ઉમ્ર ભર આપકી ઇસ બાત ને રોને ન દિયા.’

 

ક્રાય ક્લબ દાયકાઓ જૂની લાફ્ટર ક્લબોનો જવાબ હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં લોકો કોફી શોપ્સ અને પબ્સમાં આયોજિત ક્રાય સેશન્સમાં ભાગ લઈ રહ્યા છે. સૂરતમાં તો ‘હેલ્ધી ક્રાઈંગ ક્લબ’ શરૂ થયાને હવે આઠ વર્ષ થઈ ગયા છે, જેના સભ્યો દરેક મહિનાના અંતિમ રવિવારે ભેગા થાય છે અને મન ભરીને રડે છે. ક્રાય ક્લબનો વિચાર માત્ર ભારત પૂરતો સીમિત નથી. ટોક્યોના હિરોકી તેરાઈએ 2013માં ગ્રુપ થેરાપી તરીકે ‘રૂઈ કત્સુ’ (આંસુ વહાવવા) ની શરૂઆત કરી હતી. તેરાઈ છૂટાછેડા (તલાક) સમારોહ આયોજિત કરવા માટે પ્રખ્યાત હતા, જેમાં ભૂતપૂર્વ યુગલો પોતાના ભૂતકાળના બોજમાંથી મુક્ત થવા માટે પોતાની લગ્નની વીંટી પર હથોડી મારતા હતા. તેરાઈએ પાછળથી આક્રમકતાને ખતમ કરીને આનું એક ‘કોમળ સ્વરૂપ’ વિકસાવ્યું, જેમાં આછી રોશની અને ભાવનાત્મક ફિલ્મો સાથે લોકો પરવાનગી લઈને એકબીજાને જમાડવાની છે અને આ બધી પ્રક્રિયા રડવાના સત્રની આસપાસ જ ગોઠવવામાં આવે છે.

 

ભારતમાં ‘સ્મોલ વર્લ્ડ’ના સ્થાપક સૌરભ આર્યએ ‘ક્રાય ક્લબ’ શરૂ કરી છે. આ ક્લબ તેમણે એ પ્રતિક્રિયા રૂપે શરૂ કરી જેને તેઓ આધુનિક રોગચાળો કહે છે- ‘ઓનલાઇન મિત્રોથી ઘેરાયેલા હોવા છતાં લોકો એકલતા અનુભવી રહ્યા છે.’ આ ક્લબનાં સત્રો પ્રાઇવેટ કેફે અને પબમાં આયોજિત કરવામાં આવે છે, જ્યાં મિત્રના લિવિંગ રૂમ જેવો અહેસાસ થાય છે. સ્ટાફને પહેલેથી જ સમજાવી દેવામાં આવે છે, મ્યુઝિક ધીમું રાખવામાં આવે છે, લાઇટો મધ્યમ હોય છે અને બોલવાનું કોઈ દબાણ હોતું નથી.

 

ક્યારેક લોકો માત્ર સાંભળે છે. ક્યારેક તેઓ રડે છે. બધું જ સામાન્ય છે. સત્રમાં ભાગ લેનારાઓની સંખ્યા બદલાતી રહે છે. પુરુષો અને મહિલાઓ બંને ભાગ લે છે, જેમાં સામાન્ય રીતે 20 થી 40 વર્ષની વયજૂથના લોકો હોય છે. આમાં એવા લોકો પણ સામેલ હોય છે જેઓ શહેરમાં નવા આવ્યા છે, ઉદાસ છે અથવા ભાગદોડ ભરેલી જિંદગીથી થાક અનુભવી રહ્યા છે. પુરુષો પણ રડે છે અને કહે છે કે શરમ વગર રડવું કેટલું દુર્લભ છે. રડવા પાછળનાં વિવિધ કારણો હોઈ શકે છે - બ્રેકઅપ, જીવનમાં પરિવર્તન અથવા એવો અજ્ઞાત થાક જેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. એક છોકરી તો રડવા માટે માત્ર એટલા માટે આવી હતી કારણ કે તેણે પાંચ દિવસથી કોઈની સાથે વાત જ નહોતી કરી. તેને પોતાની ઓળખ ગુમાવી દીધી હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તેણે આ સત્રમાં બે નવા મિત્રો બનાવ્યા. સત્રમાં સામેલ થવા માટે એક વ્યક્તિનું કારણ એવું હતું કે, મને કોઈ આશ્વાસન કે રાહત નથી જોઈતી. મને તો બસ એક એવી જગ્યા જોઈએ છે જ્યાં મારી ઉદાસીને એમ જ રહેવાની તક મળે.

 

જુદાં-જુદાં શહેરો જુદી-જુદી રીતે રડે છે. મહાનગરોમાં લોકો બર્નઆઉટ અને એકલતાના કારણે રડે છે. નાના શહેરોમાં અવારનવાર આનું કારણ પરિવાર અથવા સામાજિક દબાણ હોય છે. રૂમમાં ટિશ્યૂ, ચા, કુશન... જેવાં નાનાં-નાનાં પ્રતીકો એવો અહેસાસ કરાવે છે કે ‘તમે અહીં સુરક્ષિત છો’. પરંતુ એકવાર જ્યારે રડવાનું બંધ થઈ જાય છે, ત્યારે પરસ્પર સંપર્ક સ્થપાવાનું શરૂ થઈ જાય છે. લોકો ફોન નંબર અથવા માત્ર એક સ્મિત લઈને પાછા ફરે છે, જે કહે છે ‘ફરી મળીશું’. અમેરિકામાં રહેતા 25 વર્ષીય રમેશ રાઉત મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યા હતા. તેઓ કોઈ ગ્રુપ એક્ટિવિટી શોધી રહ્યા હતા, ત્યારે તેઓ એક એવી જગ્યાએ પહોંચી ગયા જેની તેમણે આશા પણ નહોતી કરી - ‘ક્રાય ક્લબ’, જેનું આયોજન મુંબઈના એક બારમાં થઈ રહ્યું હતું. આ તેમને અજીબ અને રસપ્રદ લાગ્યું, ખાસ કરીને એટલા માટે કારણ કે તેમણે પણ પોતાની કેટલીક ભાવનાઓમાંથી મુક્તિ મેળવવી હતી. રાઉતને તે જગ્યા નકારાત્મક ભાવનાઓ દૂર કરવા કરતાં પરસ્પર સંપર્ક સ્થાપિત કરનારી વધુ લાગી. સત્ર દરમિયાન ‘બે સત્ય અને એક જૂઠ’ ની રમત રમાડવામાં આવી અને રાઉતને આ આશ્ર્ચર્યજનક રીતે ખૂબ ગમ્યું, કારણ કે તેનાથી અન્ય એવા લોકો સાથે તેમનું બોન્ડિંગ બન્યું જેઓ પોતે પણ પોતાની નકારાત્મક ભાવનાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.   

 

 લાફ્ટર મેનથી ક્રાઇંગ મેન

 

કમલેશ મસાલાવાલા તો તમને યાદ જ હશે. ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’ દ્વારા તેમને ‘વિશ્વના પ્રથમ લાફ્ટર ટીચર’ જાહેર કરવામાં આવ્યા હતા. આશરે આઠ વર્ષ પહેલાં તેમણે નક્કી કર્યું કે લોકોને 25 વર્ષ સુધી ખૂબ હસાવી લીધા, હવે તેમને રડાવવામાં આવે; અને તેમણે સુરતમાં ‘હેલ્ધી ક્રાઈંગ ક્લબ’ની સ્થાપના કરી. નોંધનીય છે કે 2008માં મસાલાવાલાએ ‘ઇન્ટરનૅશનલ લાફ્ટર યોગા કોન્ફરન્સ’ દરમિયાન રડવાની સ્પર્ધા જીતી હતી. તેમણે પોતાના સ્વર્ગસ્થ માતાને યાદ કરીને અચાનક જ રડવાનું શરૂ કરી દીધું હતું. પાછળથી તેમને અહેસાસ થયો કે ભાવનાત્મક આંસુઓના પણ મેડિકલ લાભ હોય છે. જ્યારે આપણે દુ:ખ, તણાવ કે હતાશાના કારણે રડીએ છીએ, ત્યારે આપણું શરીર ‘કાર્ટિસોલ’ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ મુક્ત કરે છે. હસવાથી જે આંસુ નીકળે છે, તેમાં આ હોર્મોન હોતા નથી. શરીરના સંતુલન માટે હાસ્ય અને આંસુ બંને એટલા જ જરૂરી છે.