ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં હાલ સંગઠન નિમણૂક ચાલી રહી છે. ભાજપ દ્વારા કોર કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તત્કાલિન પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સહિત ત્રણ ફેંકાઈ ગયેલા જૂના જોગીઓને પણ સ્થાન અપાયું હતું.
પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ના સૌ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/vUS9vEStMG
— Jagdish Vishwakarma (@iJagdishBJP) March 18, 2026
કયા જૂના જોગીઓને મળ્યું સ્થાન
જગદીશ વિશ્વકર્મા પ્રયોગ માટે જાણીતા છે. સીઆર પાટિલે 2022માં રચેલી જૂની કમિટીમાં પ્રદેશ મહામંત્રીઓને મહત્વ આપ્યું હતું. જ્યારે વિશ્વકર્માએ જૂના નેતાઓ પર વધારે ભરોસો મૂક્યો છે. જેને પગલે જઆઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માથી લઈને ગણપત વસાવાનો સમાવેશ કરાયો છે. એક સમયે પાટિલના રાજમાં સાઈડલાઈન થયેલા નેતાઓને હવે પ્રાધાન્ય મળવા લાગ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સીઆર પાટિલને પણ કોર કમિટીમાં રાખ્યા છે.
જૂની કોર કમિટીમાંથી કોને પડતાં મુકાયા
ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોર કમિટી સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. વિવિધ નિર્ણયોમાં આ કોર કમિટીની ભૂમિકા મહત્વની હોય છે. જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ કોર કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જૂની કોર કમિટીમાં પણ સીએમ અને નાયબ સીએમ સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગણપત વસાવા અને જીતુ વાઘાણીનું નામ હતું. જેઓ રીપિટ થયા છે પણ ભાજપે સંગઠનમાંથી બાકાત થયેલા પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા અને ભાર્ગવ ભટ્ટને બાકાત રાખ્યા છે. જેઓ એક સમયે પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળતા હતા. શંકરભાઈ ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ હોવાથી તેનું નામ નવી કોર કમિટીમાંથી બાકાત રહ્યું છે. ભાજપે એક મહિલાનો સમાવેશ કરવા માટે નવી કોર કમિટીમાં રંજનબેન ભટ્ટની જગ્યાએ પ્રધાન દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કર્યો છે.
કોર કમિટીના સભ્યો
ભૂપેન્દ્ર પટેલ
જગદીશ વિશ્વકર્મા
સી આર પાટીલ
હર્ષ સંઘવી
રત્નાકર
જીતુ વાઘાણી
ઋષિકેશ વાઘાણી
ગણપત વસાવા
દર્શનાબેન વાઘેલા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આઈ કે જાડેજા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ સાથે જ રાજ્યમાં ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાશે. ગુજરાતમાં આ વર્ષના મધ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી અને આવતા વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. જેમાં કોર કમિટીની ભૂમિકા મહત્ત્વની રહેશે.